
- વીંઝાણની સમાજવાડી ખાતે શિક્ષણોત્સવ સાથે વિકાસકાર્યોની બેવડી ભેટ; 11,200 ચોરસ ફૂટમાં નિર્મિત વિશાળ શેડ સમાજની એકતાનું બન્યું પ્રતીક
કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) કચ્છના હિંગોરા સમાજમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ, સામાજિક એકતા અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને નવી દિશા આપતો પ્રેરણાદાયી કાર્યક્રમ વીંઝાણ ખાતે યોજાયો હતો. અખિલ કચ્છ હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે હિંગોરા સમાજવાડી ખાતે આયોજિત આ સમારોહમાં એક તરફ શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર 90 વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી, તો બીજી તરફ મહિલાઓની સુવિધા માટે સમાજના સહયોગથી તૈયાર કરવામાં આવેલા વિશાળ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સમાજના દાતાઓના આર્થિક સહયોગથી અંદાજે 20 લાખના ખર્ચે 11,200 ચોરસ ફૂટ વિસ્તારમાં આ શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. અબડાસાના મામલતદાર નીનામા સાહેબ અને સૈયદ બશીર બાપુના હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું. આ સુવિધા મહિલાઓના સામાજિક કાર્યક્રમો તથા વિવિધ સામૂહિક પ્રસંગો માટે ઉપયોગી બની રહેશે. સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલું આ કાર્ય દાતાઓની સેવાભાવના અને સંગઠિત પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
કાર્યક્રમ દરમિયાન ધોરણ 9થી લઈને ઉચ્ચ અભ્યાસ સુધી શિક્ષણ મેળવી રહેલા તેમજ દીની અને દુન્યવી શિક્ષણમાં ડિગ્રી પ્રાપ્ત કરનારા કુલ 90 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને સમાજમાં શિક્ષણનું મહત્વ વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શિક્ષણ વિભાગમાંથી નિવૃત્ત થયેલા હાજીહુસેન સાહેબ હિંગોરાની વર્ષોની સેવાઓને યાદ કરી તેમને સન્માનપત્ર અને શાલ અર્પણ કરવામાં આવી હતી.
મામલતદાર નીનામા સાહેબે પોતાના સંબોધનમાં હિંગોરા સમાજે શિક્ષણ, આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે કરેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ અન્ય વિચરતી-વિમુક્ત જાતિઓ માટે પણ પ્રેરણાદાયી બની શકે તેમ તેમણે જણાવ્યું હતું. સૈયદ બશીર બાપુએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે નૈતિક મૂલ્યો અને સારા સંસ્કારો જીવનમાં ઉતારી સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
સમારોહનું સંચાલન ટ્રસ્ટના સહમંત્રી મુસ્તાક મૌલાનાએ કર્યું હતું અને પ્રમુખ જુણસભાઈએ આભારવિધિ કરી હતી. મહામંત્રી ખાલિદભાઈ, ઉપપ્રમુખ અલીમામદભાઈ, ખજાનચી ઈલિયાસભાઈ, સહખજાનચી જુસબભાઈ તથા સમિતિના સભ્યોએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર આયોજન અંગે ટ્રસ્ટી રજાકભાઈ હિંગોરાએ વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજના વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શૈક્ષણિક પ્રતિભાને પ્રોત્સાહન અને મહિલાઓ માટે ઉપયોગી માળખાકીય સુવિધાના નિર્માણ સાથે વીંઝાણ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ હિંગોરા સમાજની સંગઠિત શક્તિ, દાતાઓના સહયોગ અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતાનું પ્રેરક ઉદાહરણ બની રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar