ભાવનગર જિલ્લામાં સબસિડીવાળા ખાતરના પ્રિ-બુકિંગ માટે FSAS ડિજિટલ વ્યવસ્થાનો પ્રારંભ
ભાવનગર, 17 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં ખેડૂતોને સબસિડીવાળું ખાતર સરળતાથી અને સમયસર મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ (FSAS)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ડિજિટલ વ્યવસ્થા તા. 13 નવેમ્બર, 202
પાક ફાઈલ ફોટો


ભાવનગર, 17 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં ખેડૂતોને સબસિડીવાળું ખાતર સરળતાથી અને સમયસર મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ (FSAS)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ડિજિટલ વ્યવસ્થા તા. 13 નવેમ્બર, 2026થી ભાવનગર જિલ્લામાં અમલી બનાવવામાં આવી છે. તેના કારણે હવે ખેડૂતોને ખાતર ખરીદવા માટે અગાઉથી આયોજન કરવાની સુવિધા મળશે.

FSAS એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતો પોતાના મોબાઈલ ફોન દ્વારા ઘરબેઠાં જરૂરી ખાતરનું પ્રિ-બુકિંગ કરાવી શકશે. આ ઉપરાંત નજીકની ખાતર રિટેલ દુકાન અથવા સહકારી મંડળી મારફતે પણ બુકિંગ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવતા ખેડૂતો પણ આ સુવિધાનો લાભ લઈ શકશે.

આ ડિજિટલ સુવિધાથી ખેડૂતોને જરૂરી ખાતરની ઉપલબ્ધતા અંગે અગાઉથી માહિતી મળી શકશે. સાથે જ ખાતર ખરીદીના સમયે દુકાનો પર થતી ભીડ અને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની મુશ્કેલીમાં ઘટાડો થશે. ખાતરના વેચાણ અને વિતરણની પ્રક્રિયા વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનશે.

જિલ્લાના ખાતર વિક્રેતાઓ અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને પ્રિ-બુકિંગ પ્રક્રિયા અંગે માર્ગદર્શન અને જરૂરી સહાય આપવામાં આવશે. ખેડૂતો આ વ્યવસ્થા અંગે વધુ માહિતી મેળવવા નજીકની કૃષિ કચેરીનો સંપર્ક કરી શકશે.

આ ઉપરાંત જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના નંબર 0278-2423340 પર સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકાશે. આ અંગે નાયબ ખેતી નિયામક (વિ), ભાવનગર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande