
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આંતરિક બદલીનો દોર યથાવત; છેલ્લા ચાર મહિનામાં કુલ 300 પૈકી 75 કર્મચારીઓને ટ્રાફિક શાખામાં મુકાયા
રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા દિવાળી બાદ ફરી બદલીઓનો દોર શરૂ કરાયો છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી 13 નવેમ્બરે 48 કર્મચારીઓની આંતરિક બદલી બાદ વધુ 14 પોલીસ કર્મચારીઓને ટ્રાફિક શાખામાં નિમણૂંક અપાઈ છે. છેલ્લા ચાર મહિનામાં બદલી કરાયેલા 300 કર્મીઓમાંથી 75ને ટ્રાફિક શાખામાં ફરજ સોંપવામાં આવી છે.
રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ અને વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મહેકમ મુજબ સ્ટાફની ઘટ પૂરવાના સઘન પ્રયાસો હાથ ધરાયા છે. આ કવાયતના ભાગરૂપે દિવાળીના તહેવારો પૂર્ણ થતા જ પોલીસ બેડામાં આંતરિક બદલીઓનો દોર ફરી તેજ બન્યો છે. અગાઉ 13 નવેમ્બરના રોજ શહેરના વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં ફરજ બજાવતા 48 કર્મચારીઓની બદલીના આદેશો કરાયા હતા. ત્યારબાદ તાત્કાલિક અસરથી વધુ 14 પોલીસ કર્મચારીઓની બદલી ટ્રાફિક શાખામાં કરવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.
શહેરના મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર ટ્રાફિક નિયમન યોગ્ય રીતે થઈ શકે તે માટે ટ્રાફિક શાખામાં વધારાના સ્ટાફની ફાળવણી કરવામાં આવી રહી છે. આંકડાકીય માહિતી મુજબ, છેલ્લા ચાર મહિનાના સમયગાળામાં પોલીસ કમિશનર દ્વારા કુલ 300 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે આ કુલ બદલીઓમાંથી 75 જેટલા કર્મચારીઓને માત્ર ટ્રાફિક શાખામાં જ મૂકવામાં આવ્યા છે, જે તંત્રની ટ્રાફિક સુધારણા પ્રત્યેની પ્રાથમિકતા દર્શાવે છે.
આ ઉપરાંત, આગામી દિવસોમાં પણ રાજકોટ શહેર પોલીસના ટ્રાફિક વિભાગ અને મુખ્ય મથક ખાતે સંખ્યાબળમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. હાલમાં રાજકોટ શહેર પોલીસ દળમાં નવા ભરતી થયેલા પોલીસ કર્મચારીઓની તાલીમ ચાલી રહી છે. આ નવનિયુક્ત કર્મચારીઓની તાલીમ પૂર્ણ થયે તેઓ જ્યારે વિધિવત રીતે ફરજ પર હાજર થશે, ત્યારે તેમાંથી પણ મોટાભાગના કર્મચારીઓને પોલીસ હેડ ક્વાર્ટર તેમજ ટ્રાફિક શાખામાં જ નિમણૂંક આપવાનું આયોજન તંત્ર દ્વારા ઘડવામાં આવ્યું છે.
તાજેતરમાં મુખ્ય મથક ખાતેથી ટ્રાફિક શાખામાં બદલી કરાયેલા 14 કર્મચારીઓમાં એક અનાર્મ એએસઆઈ, છ અનાર્મ હેડ કોન્સ્ટેબલ, ચાર અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણ વુમન પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. જેમાં ધીરજલાલ અરજણભાઈ અધેરા (બ.નં. 1653), જયેન્દ્રસિંહ અમરસિંહ પરમાર (1613), વિપુલભાઈ શંભુભાઈ સાંખાળવા (1131), દિલીપકુમાર જેસીંગભાઈ ચૌહાણ (1385), ભુપેન્દ્રસિંહ જનકસિંહ વાઘેલા (1039), વિરેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા (1060) અને વિજયસિંહ સુરૂભા જાડેજા (1110) સામેલ છે. આ ઉપરાંત રાહુલભાઈ કાનાભાઈ મોરી (1401 - કંટ્રોલ રૂમ એટેચ), પૃથ્વીસિંહ હરદેવસિંહ ઝાલા (1329), રમીઝભાઈ ફારૂકભાઈ જુણેજા (1332 - 112 જનરક્ષક એટેચ), યોગેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા (1118) તેમજ યશોદા સન્ની શીરા (1075), ચેતનાબેન રાયદેવભાઈ કરમુર (1471) અને રીમ્પલબેન રામભાઈ ભોળા (1434) ને તાત્કાલિક અસરથી ટ્રાફિક શાખામાં એટેચ તરીકે ફરજ સોંપાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt