જામનગરમાં મલ્ટી-નેશનલ HADR એક્સરસાઇઝ ‘સહાયતા સેતુ’નો પ્રારંભ
આપત્તિ વ્યવસ્થાપન માટે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે યોજાઈ રહી છે ત્રિદિવસીય બહુ-રાષ્ટ્રીય કવાયત જામનગર, 17 નવેમ્બર (હિ.સ.) : ભારતીય સંરક્ષણ દળોના માર્ગદર્શન હેઠળ અને વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સહયોગથી જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે તા
ભારતીય વાયુસેના (એરફોર્સ)


આપત્તિ વ્યવસ્થાપન માટે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે યોજાઈ રહી છે ત્રિદિવસીય બહુ-રાષ્ટ્રીય કવાયત

જામનગર, 17 નવેમ્બર (હિ.સ.) :

ભારતીય સંરક્ષણ દળોના માર્ગદર્શન હેઠળ અને વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સહયોગથી જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે તા. ૧૭ થી ૧૯ નવેમ્બર દરમિયાન મલ્ટી-નેશનલ હ્યુમેનિટેરિયન મેઇન્ટેનન્સ એ5એન્ડ ડિઝાસ્ટર રિલીફ (HADR) એક્સરસાઇઝ ‘સહાયતા સેતુ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના નિર્દેશો અને ભારતીય વાયુસેનાના નેજા હેઠળ યોજાતી આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ આપત્તિના કપરા સમયમાં વિવિધ સુરક્ષા દળો, એજન્સીઓ અને મિત્ર દેશો વચ્ચે પરસ્પર સંકલન, સામૂહિક સજ્જતા અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ઝડપી પ્રતિસાદ વિકસાવવાનો છે. આ મહત્ત્વપૂર્ણ અભિયાન અંતર્ગત ક્વાડ (QUAD) દેશો ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકારી સ્તરની મહત્ત્વપૂર્ણ બેઠક પણ યોજાશે.

આ ત્રિદિવસીય કવાયતના અંતિમ ચરણ એટલે કે તા. ૧૯ નવેમ્બરના રોજ ટારમેક અથવા ડિસ્પર્સલ એરિયા ખાતે ભવ્ય મલ્ટી-એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશન (MACD), સ્ટેટિક ડિસ્પ્લે અને FICCI પ્રદર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મુખ્ય કાર્યક્રમમાં સવારે ૧૦:૧૫ કલાકથી શરૂ કરીને વિવિધ તબક્કાવાર લાઈવ પ્રદર્શનો યોજાશે. જેમાં AN-32 વિમાન દ્વારા પેરાશૂટ જમ્પ, જગુઆર તથા C-130 વિમાનો દ્વારા હવાઈ નિરીક્ષણ, લાઈવ સર્વેલન્સ, MI-17 હેલિકોપ્ટર દ્વારા સેનાની બચાવ ટીમનું ઉતરાણ, બાંબી બકેટ દ્વારા હવાઈ અગ્નિશમન તેમજ કટોકટીના સમયે ફ્યુઅલ બ્રિજિંગ જેવી અત્યાધુનિક કામગીરીનું જીવંત નિદર્શન કરવામાં આવશે.

આ કાર્યક્રમના ઉત્તરાર્ધમાં ઈમારતની છત પરથી લોકોને બચાવવાની કવાયત, ડોર્નિયર વિમાન દ્વારા ડિંગી બોટનું પ્રદર્શન, રેસ્ક્યુ રોબોટ અને તાલીમબદ્ધ શ્વાનોની મદદથી શોધખોળ તથા NDRF અને SDRF દ્વારા કાટમાળમાંથી નાગરિકોને બહાર કાઢવાની કામગીરી પ્રદર્શિત થશે. સાથે જ, દરિયાઈ શોધ અને બચાવ કામગીરી હેઠળ વિંચિંગ દ્વારા લોકોને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ જહાજ સુધી પહોંચાડવાની પ્રક્રિયા લાઈવ બતાવવામાં આવશે. આ ઉપરાંત C-295 વિમાન દ્વારા એસોલ્ટ લેન્ડિંગ, C-17 દ્વારા ભારે સાધનોનું વહન તેમજ લોજિસ્ટિક્સ ડ્રોન દ્વારા ફિલ્ડ હોસ્પિટલ સુધી બ્લડ અને મેડિકલ સામગ્રી પહોંચાડવાની અદ્યતન ટેક્નોલોજીનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવશે.

આ આંતરરાષ્ટ્રીય કવાયત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતની અદભુત સજ્જતા, કાર્યક્ષમતા અને માનવતાવાદી સેવા પ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે છે. આપત્તિના સમયે સમયસર સહાય, સચોટ આયોજન અને વિવિધ દેશો તથા સંસ્થાઓ વચ્ચેનો પરસ્પર સહયોગ માનવજીવન બચાવવામાં કેવી રીતે નિર્ણાયક સાબિત થાય છે તેનો સ્પષ્ટ સંદેશ આ અભિયાન આપે છે. આ ભવ્ય આયોજન દેશની સંરક્ષણ ક્ષમતાની સાથોસાથ આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રતા, એકતા અને સહિયારી જવાબદારીની ભાવનાને પણ વધુ મજબૂત બનાવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande