
ભાવનગર, 17 નવેમ્બર (હિ.સ.): ભાવનગરમાં આગામી સપ્તાહે પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુનિલભાઈ ઓઝાને સ્મરણાંજલિ અર્પણ કરવાની સાથે તેમના રાજકીય જીવન દરમિયાન જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીમાં તેમની સાથે કાર્ય કરનારા ભાવનગર શહેર તથા જિલ્લાના દિવંગત કાર્યકર્તાઓને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
ગોહિલવાડના રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય રહેલા સુનિલભાઈ ઓઝાએ ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ ઉત્તરપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સહપ્રભારી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા હતા. આ ઉપરાંત વારાણસી નજીક ગંગા નદીના કિનારે આવેલા ગદૌલીધામના સ્થાપક તરીકે પણ તેમની ઓળખ રહી હતી. સંગઠનના કાર્યમાં તેમની સક્રિય ભૂમિકા અને કાર્યકર્તાઓ સાથેના જોડાણને યાદ કરીને આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
સુનિલ ઓઝા સ્મૃતિ વંદના પરિવાર દ્વારા ભાવનગરના મોતીબાગ સભાગૃહ ખાતે આગામી રવિવાર, તા. ૨૯ના રોજ બપોરે ૩ કલાકે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં ભાવનગર શહેર અને જિલ્લાના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સુનિલભાઈ ઓઝા સાથે લાંબા સમય સુધી સંગઠનના કાર્યમાં જોડાયેલા સાથીઓ ઉપસ્થિત રહી સ્મૃતિ વંદના અર્પણ કરશે.
આ કાર્યક્રમમાં સુનિલભાઈ ઓઝાના યોગદાનને યાદ કરવાની સાથે સંગઠન માટે જીવન સમર્પિત કરનારા દિવંગત કાર્યકર્તાઓની સેવાઓને પણ યાદ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA