અંકલેશ્વર જીઆઈડીસીમાં જુગારધામ પર પોલીસની તવાઈ 19 શખ્સો ઝડપાયા
જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 52.58 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચ, 17 નવેમ્બર (હિ.સ.) અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસે સપાટો બોલાવ્યો છે. ઔદ્યોગિક વિસ્તારના જાહેર સ્થળોની આસપાસ ચાલતા જુગાર
અંકલેશ્વર જીઆઈડીસીમાં જુગારધામ પર પોલીસની તવાઈ 19 શખ્સો ઝડપાયા


- જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 52.58 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ, 17 નવેમ્બર (હિ.સ.) અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસે સપાટો બોલાવ્યો છે. ઔદ્યોગિક વિસ્તારના જાહેર સ્થળોની આસપાસ ચાલતા જુગારધામ પર જીઆઈડીસી પોલીસે દરોડો પાડીને 19 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે અને હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસની સતર્કતા અને સતત પેટ્રોલિંગ અત્યંત જરૂરી બન્યું છે. દરમિયાન આશરે ચાર વાગ્યાના સુમારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે એમ.જે. કાંટા પાસે પ્લોટ નંબર 4770 ખાતે આવેલી આબાદ કેમિકલ કંપનીના ગેટ બહાર કેટલાક શખ્સો ભેગા થઈ પત્તાંના પાનાં વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે.આ બાતમીના આધારે આબાદ કેમિકલ કંપનીના ગેટ પાસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા 19 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી આરોપીઓની અંગઝડતી દરમિયાન 44,020 રોકડા અને જુગારના દાવ પરથી 8,560 રોકડા સહિત કુલ 52.58 હજારનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલા 19 આરોપીઓમાં સારંગપુર, જીતાલી અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા શખ્સોનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક આરોપીઓ મૂળ બિહાર રાજ્યના ભાગલપુર અને મુંગેર જિલ્લાના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે

પોલીસની આ સફળ કામગીરી વચ્ચે સ્થાનિક સ્તરે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.ઔદ્યોગિક વિસ્તારના જાહેર સ્થળોની આસપાસ આવી જુગારની પ્રવૃત્તિઓ અત્યાર સુધી કોના આશીર્વાદથી ચાલતી હતી તેવા સવાલો ઊભા થયા છે.શું આ માત્ર એક જ સ્થળે ચાલતું જુગારધામ હતું કે પછી જીઆઈડીસી વિસ્તારમાં અન્ય સ્થળોએ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે તેની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી છે.

હાલ તો પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે પોલીસની આ કાર્યવાહી બાદ આવા અસામાજિક તત્વો સામે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે અને સમગ્ર વિસ્તારમાંથી જુગારની બદી ક્યારે નાબૂદ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande