પોણા બે કરોડના દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને દબોચી લેતી રાજકોટ રેન્જ ટીમ
સુરેન્દ્રનગરના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ અગાઉ પાડેલી રેઇડ બાદથી નાસતો-ફરતો સાયલાનો વિજય ખવડ વઢવાણ બસસ્ટેન્ડ પાસેથી ઝડપાયો રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અગાઉ
પોણા બે કરોડન દારૂના આરોપીની ધરપકડ


સુરેન્દ્રનગરના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ અગાઉ પાડેલી રેઇડ બાદથી નાસતો-ફરતો સાયલાનો વિજય ખવડ વઢવાણ બસસ્ટેન્ડ પાસેથી ઝડપાયો

રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અગાઉ પકડવામાં આવેલા પોણા બે કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના મોટા જથ્થાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા મુખ્ય આરોપીને રાજકોટ રેન્જની વિશેષ ટીમે ઝડપી પાડ્યો છે. ગઈકાલે ચોક્કસ બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે વઢવાણ બસસ્ટેન્ડ પાસેથી આરોપીને દબોચી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના તેમજ અન્ય જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ આચરીને પોલીસ પકડથી બચવા માટે નાસતા-ફરતા રહેતા આરોપીઓને શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ અને એ.વાય. ઉધાસ સહિતના સ્ટાફની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ફરાર આરોપીઓના સગડ મેળવવા માટે હ્યુમન સોર્સને સક્રિય કરવાની સાથે સાથે જરૂરી ટેકનિકલ એનાલિસિસ અને સઘન વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું.

આ તપાસ દરમિયાન રાજકોટ રેન્જ સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઈ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સીંધવ, વિજયસિંહ પરમાર, ફતેસંગ પરમાર અને રાજુભાઈ પઢેરીયાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપી અંગેની હતી. આ ગુનામાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૮૩ અને ૯૮(૨) મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અંદાજે પોણા બે કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

પોલીસની રેઇડ પડ્યા બાદથી જ આ ગુનામાં સંડોવાયેલો આરોપી વિજય લઘુભાઈ ખવડ (રહે. લાખાવડ, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) પોલીસથી બચવા માટે છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો હતો. મળેલી સચોટ હકીકતના આધારે રાજકોટ રેન્જની ટીમે વઢવાણ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન આરોપી વિજય ખવડ વઢવાણ બસસ્ટેન્ડ નજીક ધોળીપોળ પાસેથી મળી આવતા પોલીસે તાત્કાલિક કોર્ડન કરીને તેને હસ્તગત કરી લીધો હતો, જેથી લાંબા સમયથી ફરાર આરોપીને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી હતી.

ઝડપાયેલા આરોપી વિજય લઘુભાઈ ખવડની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ રાજકોટ રેન્જની ટીમે તેનો કબજો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો છે. હવે વઢવાણ પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે, જેથી પોણા બે કરોડના આ દારૂના નેટવર્કમાં અન્ય કયા-કયા શખ્સો સંડોવાયેલા છે અને દારૂનો જથ્થો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ આગળ ધપાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande