રાજકોટના શાપર પોલીસે 6 માસમાં ઝડપેલી રૂ. 38.74 લાખની 8,923 વિદેશી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવ્યું
કોટડાસાંગાણી કોર્ટની મંજૂરી બાદ પારડી-ઢોલરા રોડ પર ખોડિયાર ધાર ખાતે પોલીસ અધિકારીઓની હાજરીમાં મુદ્દામાલનો નિકાલ કરાયો રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્ય પોલીસની મુદ્દામાલ નિકાલ ઝુંબેશ અંતર્ગત શાપર પોલીસે છેલ્લા છ મહિનામાં 25 ગુનાઓમાં ઝડપે
દારૂના જથ્થાનો નાશ


કોટડાસાંગાણી કોર્ટની મંજૂરી બાદ પારડી-ઢોલરા રોડ પર ખોડિયાર ધાર ખાતે પોલીસ અધિકારીઓની હાજરીમાં મુદ્દામાલનો નિકાલ કરાયો

રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્ય પોલીસની મુદ્દામાલ નિકાલ ઝુંબેશ અંતર્ગત શાપર પોલીસે છેલ્લા છ મહિનામાં 25 ગુનાઓમાં ઝડપેલા રૂ. 38.74 લાખની કિંમતના વિદેશી દારૂનો નાશ કર્યો છે. કોટડાસાંગાણી કોર્ટની મંજૂરી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના આદેશ બાદ રચાયેલી કમિટીની હાજરીમાં પારડી-ઢોલરા રોડ સ્થિત ખોડિયાર ધાર ખાતે 8,923 દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી પડતર રહેલા મુદ્દામાલના નિકાલ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, એસપી વિજયસિંહ ગુર્જર અને ઈન્ચાર્જ એએસપી ડો. નવિન ચક્રવર્તી દ્વારા જિલ્લાના તમામ થાણા અમલદારોને જમા થયેલા મુદ્દામાલનો કાયદેસર રીતે નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી.

ઉપરી અધિકારીઓની સૂચનાને પગલે શાપર પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ માસ દરમિયાન દારૂ અંગેના કુલ 25 ગુનાઓ નોંધાયા હતા. આ ગુનાઓમાં પોલીસે જુદી-જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની હજારો બોટલો કબજે કરી હતી. આ જથ્થાનો નાશ કરવા માટે શાપર પોલીસ દ્વારા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોટડાસાંગાણી કોર્ટ સમક્ષ કાયદેસરની મંજૂરી માંગવામાં આવી હતી.

કોર્ટ તરફથી મુદ્દામાલ નાશ કરવાની મંજૂરી મળ્યા બાદ આગળની વહીવટી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે અંતર્ગત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજકોટ શહેર-2 દ્વારા નાશ કરવાની તારીખ અને સમય નક્કી કરી એક ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તેમના હુકમ મુજબ પારડી ગામથી ઢોલરા ગામ તરફ જવાના રસ્તા પર આવેલી ખોડિયાર ધાર ખાતે આ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નક્કી કરાયેલા સ્થળ પર ઈન્ચાર્જ મદદનીશ એએસપી ડો. નવિન ચક્રવર્તી અને શાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર. બી. રાણા સહિતના પોલીસ અધિકારીઓ અને કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં જુદી-જુદી બ્રાન્ડની કુલ રૂ. 38,74,457ની કિંમતની 8,923 વિદેશી દારૂની બોટલો ગોઠવીને તેના પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. આ પ્રકારે દારૂના મોટા જથ્થાનો સંપૂર્ણ નાશ થતા સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande