
- કુલ 56 લાખના માતબર ઈનામો સાથે રાજ્યના યુવા ઇનોવેટર્સ અને સાહસિકોને આમંત્રણ
- પ્રથમ વિજેતા ટીમને 5 લાખ અને દ્વિતીય વિજેતાને ૩ લાખનો પુરસ્કાર અપાશે
- સ્પેસ ટેકનોલોજીના માધ્યમથી કૃષિ, દરિયાઈ સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને વન-સંરક્ષણ જેવા ક્ષેત્રોની સમસ્યાઓના સમાધાન શોધવાનો ઉદ્દેશ
ગાંધીનગર,17 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં સ્પેસ ટેકનોલોજી આધારિત ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST)ના મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતેથી 'સ્પેસટેક હેકાથોન 2026'ની જાહેરાત કરી છે.
આ હેકાથોન અંતર્ગત નવીન વિચારો અને ટેકનોલોજીકલ સોલ્યુશન્સ રજૂ કરનારા સ્પર્ધકો માટે કુલ 56 લાખની ઈનામી રકમ રાખવામાં આવી છે. સ્પેસટેક હેકાથોનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ વિજેતાને 5 લાખ અને દ્વિતીય સ્થાન મેળવનારને 3 લાખનો રોકડ પુરસ્કાર અપાશે.
વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ 'સ્પેસટેક હેકાથોન 2026નો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું કે, 'સ્પેસટેક હેકાથોન 2026' માત્ર નવા વિચારો રજૂ કરવા પૂરતી સીમિત નથી, પરંતુ તે વૈજ્ઞાનિકો, ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો અને વિવિધ સ્ટેકહોલ્ડર્સને એક જ પ્લેટફોર્મ પર લાવીને વાસ્તવિક જીવનના પડકારો ઉકેલવાનું એક સશક્ત માધ્યમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેસ ક્ષેત્રને ખાનગી સાહસિકો, વૈજ્ઞાનિકો અને રોકાણકારો માટે ખુલ્લું મૂકી અંતરિક્ષ ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત કરી છે. આ વિઝનને અનુરૂપ આ હેકાથોન દ્વારા કૃષિ, દરિયાઈ સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને વન સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોની સમસ્યાઓના ઉકેલ સ્પેસ ટેકનોલોજી અને સેટેલાઇટ ડેટાના માધ્યમથી શોધવામાં આવશે તેમ મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું.
મંત્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે દેશમાં અગ્રેસર રહેશે. તેમણે ગુજરાત સરકારે આ સંદર્ભે લીધેલા પગલાંઓની વિગત આપતાં કહ્યું કે, ગુજરાતે આ માટે સમર્પિત 'ગુજરાત સ્પેસટેક પોલિસી' બનાવી તેનો અમલ કર્યો છે.
આ ઉપરાંત સ્પેસ ટેકનોલોજીના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સાણંદ નજીક 'ગુજરાત સ્પેસ પાર્ક'ની પણ રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પાર્કમાં સેટેલાઇટ સહિતના અવકાશી ઉપકરણોના ઉત્પાદન અને પરીક્ષણ માટે અત્યાધુનિક કોમન ટેસ્ટિંગ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના પગલે ઉદ્યોગોને એક જ સ્થળે તમામ સુવિધાઓ મળી રહે.
મંત્રીએ ‘સ્પેસટેક હેકાથોન-2026’ જેવી અભિનવ પહેલ બદલ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના તમામ અધિકારીઓ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજ્યના વધુમાં વધુ યુવા સંશોધકો, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને આ હેકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ