





પોરબંદર , 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના દરિયાકિનારે સાહસ, સહનશક્તિ અને રમતગમતનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા ‘ધ ટાઇડ એન્ડ ટાઈમ ચેલેન્જ’ (The Tide & Time Challenge)નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સી સ્વિમિંગ અને સી કાયા કિંગની આપડકાર જનક સ્પર્ધામાં 80થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં 8 કલાકની કેટેગરીમાં 20, 6 કલાકની કેટેગરીમાં 10, 4 કલાકની કેટેગરીમાં 20 અને 2 કલાકની કેટેગરીમાં
30 સ્પર્ધકો જોડાયા હતા. અલગ-અલગ વયજૂથના ખેલાડીઓએ પોતાની ક્ષમતા મુજબ સતત દરિયામાં સ્વિમિંગ અથવા કાયાકિંગ કરીને શારીરિક ક્ષમતા, ધીરજ અને સાહસવૃત્તિનો પરિચય આપ્યો હતો. દરિયામાં યોજાયેલી આ લાંબી સ્પર્ધા દરમિયાન ખેલાડીઓની સલામતીને પ્રાથમિકતા આપીને આયોજકો દ્વારા વિશેષ રેસ્ક્યુ બોટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્પર્ધકોની ઊર્જા જળવાઈ રહે તે માટે એનર્જી ડ્રિંક, શુદ્ધ પીવાનું પાણી અને તાજાં ફળોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થતાં સહભાગી ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.પોરબંદરવાસીઓએ પણ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ આયોજનથી પોરબંદરમાં દરિયાઈ સાહસિક રમતો અને વોટરસ્પોર્ટ્સને પ્રોત્સાહન મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya