




પોરબંદર , 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર ખાતે સાત દિવસીય ‘વંદે
માતરમ શિબિર’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢમાંથી આવેલા કુલ 125 યુવક-યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
‘વંદે માતરમ’ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતની રાષ્ટ્રીય ચેતના, દેશભક્તિ, એકતા અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણનું
પ્રતીક છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ‘વંદે માતરમ’ના નાદે લાખો દેશવાસીઓમાં
રાષ્ટ્રપ્રેમ અને આઝાદીની ભાવના જગાવી હતી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ
ગીતે સ્વતંત્રતા સેનાનીઓને એકતાના સૂત્રમાં બાંધવાનું કાર્ય કર્યું હતું. આ
શિબિરનો હેતુ પણ યુવા પેઢીમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, ભાઈચારો
અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે.
આ સાત દિવસીય શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં
નેતૃત્વ ક્ષમતા, રાષ્ટ્રપ્રેમ, કૌશલ્ય વિકાસ અને વ્યક્તિત્વ વિકાસને
પ્રોત્સાહન આપવાનો તેમજ વિકસિત ભારત @2047ના સંકલ્પમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. શિબિર
દરમિયાન વિવિધ તાલીમ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન, નેતૃત્વ વિકાસ અને યુવા કેન્દ્રિત
પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
કાર્યક્રમની શરૂઆત મહેમાનોના પરિચય અને
મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમનો
પરિચય આપતાં ઉપનિર્દેશક નવીન ગુલિયાએ તમામ રાજ્યોમાંથી આવેલા યુવા
પ્રતિભાગીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને આગામી સાત દિવસ દરમિયાન યોજાનારી
વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ શિબિર યુવાનોને
એકબીજાની ભાષા, સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીને સમજવાની સાથે
પોતાની નેતૃત્વ ક્ષમતા અને વ્યક્તિત્વને વિકસાવવાની ઉત્તમ તક પૂરી પાડશે.આ પ્રસંગે
પોરબંદર જિલ્લાની યુવતીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની
ઝલક જોવા મળી હતી.
પોતાના સંબોધનમાં જિલ્લા કલેક્ટર એસ.ડી.
ધાનાણીએ વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનોને આ સાત દિવસીય શિબિરનો મહત્તમ લાભ લેવા
અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુવાનોએ આ શિબિરનો ઉપયોગ પોતાના
વ્યક્તિત્વને નિખારવા, પોતાની આગવી ઓળખ ઊભી કરવા તથા વિવિધ
રાજ્યોના યુવાનોની ભાષા, સંસ્કૃતિ અને જીવનશૈલીને સમજવા માટે
કરવો જોઈએ. તેમણે ‘વિવિધતામાં એકતા’ને ભારતની સૌથી મોટી શક્તિ ગણાવી હતી અને
યુવાનોને પરસ્પર મિત્રતા,
સહકાર અને ભાઈચારાની ભાવના મજબૂત કરવા
પ્રેરિત કર્યા હતા. સાથે જ તેમણે આ ભવ્ય આયોજન બદલ ઉપનિર્દેશક નવીન ગુલિયા અને
તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં તેમણે વિકસિત ભારતના સ્વપ્નને
સાકાર કરવા યુવાનોને અગ્રણી ભૂમિકા નિભાવવા આહ્વાન કર્યું હતું.કાર્યક્રમના અંતે
જિલ્લા યુવા અધિકારી, માય ભારત દાહોદ સ્નેહા પ્રજાપતિએ
આભારવિધિ કરી હતી. તેમણે ઉપસ્થિત તમામ મહેમાનો, માય ભારતની સમગ્ર આયોજન ટીમ, ઉપનિર્દેશક નવીન ગુલિયા, જિલ્લા યુવા અધિકારીઓ, માય ભારતના સ્વયંસેવકો તથા તમામ પ્રતિભાગીઓનો આભાર વ્યક્ત કર્યો
હતો.આ સાત દિવસીય ‘વંદે માતરમ શિબિર’ રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને યુવા
નેતૃત્વના વિકાસ દ્વારા વિકસિત ભારત @2047ના નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાની એક
મહત્વપૂર્ણ પહેલ બની રહેશે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પોરબંદરના
મેયર સાગર મોદી તથા વિશિષ્ટ અતિથિ તરીકે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી ઉપસ્થિત
રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયતના ચેરમેન રમેશભાઈ ઓડેદરા અને કોર્પોરેટર
નીરવભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya