
સુરત, 17 નવેમ્બર (હિ.સ.): ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે જનજાતીય ગૌરવ સપ્તાહ હેઠળ આદિજાતિ વિકાસ વિભાગ તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકાના વાંકલ સ્થિત એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં ભવ્ય પરંપરાગત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિએ રમતવીરો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ પણ વિવિધ પરંપરાગત રમતોમાં સહભાગી થઈ બાળપણની યાદો તાજી કરી હતી.
આ અવસરે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસ, સંસ્કૃતિ અને બલિદાનોને દેશ-દુનિયા સમક્ષ ઉજાગર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેવડિયા ખાતે અંદાજે રૂ. 500 કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું આદિવાસી મ્યુઝિયમ નિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
રાજ્યમાં 15 નવેમ્બરે પ્રથમવાર આદિવાસી વિસ્તારના રસ્તાઓનું ભગવાન બિરસા મુંડાના નામકરણ કરવામાં આવ્યા છે. આદિવાસી સમાજની પરંપરાગત ગ્રામીણ રમતો વિસરાતી જાય છે. તેને પુનઃજીવિત કરવાના ઉદ્દેશ્યથી આદિવાસી વિસ્તારોમાં તીરંદાજી તેમજ ગિલ્લી-દંડા, લખોટી, આમલા-પીપરી, કબડ્ડી, લંગડી, ખોખો અને ગોળ-માર્બલ જેવી દેશી રમતોની સ્પર્ધાઓ અને આયોજનો કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
નવી પેઢીને આદિવાસી સમાજની પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક વારસાથી પરિચિત થાય, શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ કેળવવાનો તેમજ પરંપરાગત રમતોને નવી પેઢી સુધી જીવંત રાખવા માટે રમતોત્સવ યોજાો હતો. ભારતીય આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો વારસો જાળવી રાખતી વિવિધ દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રસ્સાખેંચ, કબડ્ડી, ખો-ખો, લીંબુ-ચમચી દોડ, કોથળા દોડ, ત્રિપગી દોડ, લંગડી, લખોટી, મટકા ફોડ, ગિલ્લી-દંડા, સાતોડિયું, ગેડી-દડો, ભમરડો અને આટાપાટા જેવી પરંપરાગત રમતોમાં રમતવીરો તથા ઉપસ્થિત મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે રમતવીરોને ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ગામીત, ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ સપનાબેન વસાવા, તરસાડી નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન રાવલ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી વિરલભાઈ, અગ્રણી દિપકભાઈ, કિરણબેન, અફઝલભાઈ, સંજયભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે