ડૉ.આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલની ઉપસ્થિતિમાં શૈક્ષણિક સંવાદ અને ત્રિપક્ષીય MoU
BAOUની શૈક્ષણિક બેસ્ટ પ્રેક્ટિસિસ અને ઓનલાઇન એજ્યુકેશનની કામગીરીને જાણવા પ્રયાગરાજની બે યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળે લીધી મુલાકાત અમદાવાદ,17 નવેમ્બર (હિ.સ.) ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ સાથે પ્રયાગરાજ સ્થિત ઉત્તર પ્રદેશ રાજર્ષિ ટંડન
Educational Dialogue and Tripartite MoU in the presence of the Governor of Uttar Pradesh at BAOU


- BAOUની શૈક્ષણિક બેસ્ટ પ્રેક્ટિસિસ અને ઓનલાઇન એજ્યુકેશનની કામગીરીને જાણવા પ્રયાગરાજની બે યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળે લીધી મુલાકાત

અમદાવાદ,17 નવેમ્બર (હિ.સ.) ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ સાથે પ્રયાગરાજ સ્થિત ઉત્તર પ્રદેશ રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટી અને પ્રો. રાજેન્દ્ર સિંહ (રજ્જુ ભૈયા) યુનિવર્સિટીના શૈક્ષણિક પ્રતિનિધિમંડળે અમદાવાદ સ્થિત ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ની મુલાકાત લીધી હતી. BAOUમાં ચાલતી શૈક્ષણિક બેસ્ટ પ્રેક્ટિસિસ તથા વિવિધ ઇનિશિએટીવ્સને જાણવા અને સમજવાના હેતુથી આ મુલાકાત યોજાઈ હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં રાજ્યપાલ આનંદી પટેલની સાથે બંને યુનિવર્સિટીના કુલગુરુ ડૉ.એ.કે.સિંઘ, ઉત્તર પ્રદેશ રાજભવનના એસીએસ ડૉ.સુધીર એમ.બોબડે (IAS) અને રજિસ્ટ્રાર કર્નલ વિનય કુમાર જોડાયા હતા. BAOUનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયે સર્વે મહાનુભાવોને આવકારીને રાજ્યપાલનું વિશેષ સ્વાગત કર્યું હતું, ત્યારબાદ મહાનુભાવોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રતિનિધિમંડળના હેતુને અનુરૂપ કુલગુરુ પ્રો.અમી ઉપાધ્યાયે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા યુનિવર્સિટીની શૈક્ષણિક સિદ્ધિઓ, બેસ્ટ પ્રેક્ટિસિસ અને નવતર ઇનિશિએટીવ્સની રજૂઆત કરી હતી. BAOUની કાર્યપ્રણાલી અને વ્યવસ્થાપનથી પ્રભાવિત થઈને રાજ્યપાલ તથા પ્રતિનિધિમંડળે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે BAOUના જ્યોતિર્મય પરિસરના પ્રેરક, માર્ગદર્શક અને ઉદ્ઘાટક રહેલાં આનંદી પટેલના યોગદાનનું સ્મરણ કરી શાબ્દિક તથા સ્મૃતિભેટથી તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.

આ અવસરે શૈક્ષણિક સ્ટાફ સાથેના વાર્તાલાપમાં વિશેષ ઉદ્બોધન કરતાં રાજ્યપાલ આનંદી પટેલે જણાવ્યું હતું કે જ્યાંથી પણ શીખવા મળે ત્યાંથી કશુંક નવું શીખવું જોઈએ. રાજ્યપાલએ ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીઓની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધિઓ તથા ઉચ્ચ શિક્ષણના વિવિધ આયામોની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. તેમણે આંગણવાડીથી લઈને યુનિવર્સિટી-શિક્ષણ સુધીના વિકાસ, કન્યાકેળવણી, સંસ્કારસંવર્ધન, ઝૂંપડપટ્ટીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણમાં જોડવાના સફળ પ્રયાસો તેમજ જનભવન ખાતે સમૂહ ભોજન, શ્રમયજ્ઞ અને અસ્પૃશ્યતા નિવારણ જેવા સમરસતામૂલક ઉપક્રમોની પ્રેરક માહિતી આપી બુનિયાદી તાલીમ અને સમાનતાના સિદ્ધાંત પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરી હતી.

કુલગુરુ ડૉ.એ.કે.સિંઘે BAOUના જ્યોતિર્મય પરિસરની મુલાકાતને લાભદાયક ગણાવતા સ્કિલબેઝ અભ્યાસક્રમોના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને આ શૈક્ષણિક અનુબંધને દીર્ઘકાલીન સિદ્ધિ તરીકે વિકસાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે રાજ્યપાલની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, પ્રો.રાજેન્દ્ર સિંહ (રજ્જુ ભૈયા) યુનિવર્સિટી અને ઉત્તર પ્રદેશ રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટી - એમ ત્રણેય યુનિવર્સિટીનાં કુલગુરુ વચ્ચે શૈક્ષણિક સમજૂતી કરાર (MoU)નું આદાન-પ્રદાન થયું હતું.

સમગ્ર દેશમાં દૂરવર્તી શિક્ષણ અને ઓનલાઇન એજ્યુકેશન ક્ષેત્રે BAOUની કામગીરીની મહેમાનોએ આદરપૂર્વક નોંધ લીધી હતી અને આ મુલાકાત પરિણામલક્ષી કામગીરી માટે દિશાસૂચક બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande