
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) : પાટણ સીટી બી ડિવિઝન પોલીસે નવજીવન ચોકડી પાસેથી નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે કિશન મોહનભાઈ ભુરાભાઈ મારવાડી (રહે. સૂર્યનગર ભીલવાસ, સુજનીપુર રોડ, પાટણ)ને ઝડપી પાડ્યો હતો. વાહનના કાગળો ન બતાવી શકતાં પોલીસે મોબાઈલ કોપ એપ્લિકેશનમાં તપાસ કરતાં બાઈક પાટણ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાની હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોયેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કોન્સ્ટેબલ જગદીશ મોતીભાઈ અને યોગેશ અરવિંદભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે નવજીવન ચોકડી પાસે કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન કિશન મારવાડીએ બીજી મોટરસાયકલ ચોરી કરીને ઘરે રાખી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેના ઘરે તપાસ કરતાં બીજી બાઈક પણ મળી આવી હતી. તપાસમાં આ બાઈક બનાસકાંઠાના ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાની હોવાનું ખુલ્યું હતું.
પોલીસે રૂ. 20 હજારની કિંમતની બજાજ પ્લેટિના અને રૂ. 25 હજારની કિંમતની બજાજ ડિસ્કવર સહિત કુલ રૂ. 45 હજારનાં બે વાહનો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ