ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવી પડી મોંઘી: લિંક પર ક્લિક કરતા જ રાજકોટના યુવાનના ખાતામાંથી રૂ. 1.28 લાખ ઉપડી ગયા
‘iBazo’ ફાઇલ ડાઉનલોડ થવાથી વડવાજડીનો યુવાન સાયબર ફ્રોડનો શિકાર બન્યો; મેટોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના કાલાવડ રોડ પર આવેલા વડવાજડી ગામે રહેતો એક યુવાન ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતી વેળાએ સાયબર ફ્રોડનો ભોગ બન
સાયબર ફ્રોડ


‘iBazo’ ફાઇલ ડાઉનલોડ થવાથી વડવાજડીનો યુવાન સાયબર ફ્રોડનો શિકાર બન્યો; મેટોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના કાલાવડ રોડ પર આવેલા વડવાજડી ગામે રહેતો એક યુવાન ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતી વેળાએ સાયબર ફ્રોડનો ભોગ બન્યો છે. અજાણી લિંક પર ક્લિક કરવાથી ફોનમાં ‘iBazo’ નામની જીદ્દી એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી, જે ડીલીટ ન થતાં ઠગ્સે યુવાનના બેંક ખાતામાંથી રૂ. 1.28 લાખની રકમ સેરવી લીધી હતી. આ મામલે મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડવાજડી ગામે રહેતા અને મેટોડા જી.આઈ.ડી.સી. ગેઇટ નં.2 ખાતે આવેલી પ્રીસાઇઝ ટેકનોકાસ્ટ કંપનીમાં ક્વોલીટી કંટ્રોલર તરીકે નોકરી કરતા ૩૩ વર્ષીય ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહ ખેરડીયા ગત તા. ૦૮ ના રોજ રાત્રિના સમયે પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને એક એપ્લિકેશનની લિંક જોવા મળી હતી, જેના પર ‘iBazo’ ફાઇલ દર્શાવેલી હતી. ઉત્સુકતાવશ યુવાને તે લિંક પર ક્લિક કરતાની સાથે જ તેમનો મોબાઈલ ફોન આપમેળે સ્વીચ ઓફ થઈ ગયો હતો.

ફોન ચાલુ કર્યા બાદ જોવામાં આવ્યું તો યુવાનના મોબાઈલમાં ‘iBazo’ નામની એપ્લિકેશન ઓટોમેટીક ડાઉનલોડ થઈ ચૂકી હતી. આ એપ્લિકેશનને સ્વેચ્છાએ ડીલીટ કરવાનો પ્રયાસ કરવા છતાં તે ફોનમાંથી દૂર થઈ ન હતી. ઘટનાના બીજા દિવસે જ્યારે યુવાન રાજકોટ ખાતે કાલાવડ રોડ પર ખરીદી કરવા ગયા અને ફોન પે એપ દ્વારા પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે એકાઉન્ટમાં પૂરતા નાણાં ન હોવાનું જણાઈ આવ્યું હતું. ખાતાની વિગતવાર તપાસ કરતાં તા. ૦૯ અને ૧૦ ના રોજ થયેલા ચાર અલગ-અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂ.૧,૨૮,૬૭૫ ઉપડી ગયા હોવાનું અને ખાતામાં માત્ર રૂ. ૭૦ ની સિલક બચી હોવાનું સામે આવ્યું હતું.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુવાને તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી હતી. આ શિકાર બન્યા બાદ યુવાનની ઓનલાઈન ફરિયાદના આધારે ગઈકાલે મેટોડા જીઆઈડીસી પોલીસે સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરીને આંતરરાજ્ય કે સ્થાનિક સાયબર ગેંગને ઝડપી પાડવા માટે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande