

બનાસકાંઠા, 17 નવેમ્બર (હિ.સ.) : અંબિકા અન્નક્ષેત્રમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન; મંદિરના વહીવટદાર કૌશિક મોદી અને હિતેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા શક્તિપીઠ અંબાજી ખાતે તા. 17 નવેમ્બરના રોજ ગોપાષ્ટમી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબિકા અન્નક્ષેત્ર ખાતે આંધ્રપ્રદેશની પ્રખ્યાત પુંગનૂર ગાયની શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયને ચુંદડી ઓઢાડવામાં આવી હતી તેમજ પુષ્પહાર પહેરાવી કંકુ-તિલક કરી આરતી ઉતારવામાં આવી હતી.આ ધાર્મિક પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી તથા જય જલિયાણ સેવા કેમ્પના હિતેશભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગૌપૂજનમાં સહભાગી બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે અંબિકા અન્નક્ષેત્ર દ્વારા અંબાજી ખાતે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. અહીં આવતા ભક્તો આ ભોજનને માતાજીનો પ્રસાદ માની શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે. હિતેશભાઈ ઠક્કર પણ અન્નક્ષેત્રની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈને સેવા આપી રહ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટની કોટેશ્વર ગૌશાળામાં આંધ્રપ્રદેશની પ્રખ્યાત પુંગનૂર ગાય અને વાછરડાં પણ લાવવામાં આવ્યાં છે. ગોપાષ્ટમીનો પર્વ કારતક માસના શુક્લ પક્ષની અષ્ટમીએ ઉજવવામાં આવે છે એક ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે પ્રથમ વખત ગાયો ચરાવવા માટે ગૌચરણની જવાબદારી સંભાળી હતી. બાળપણમાં તેઓ ગોવાળિયા તરીકે ગાયો સાથે વૃંદાવનનાં જંગલોમાં જતા હતા. તેથી આ દિવસને ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેમજ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી ધાર્મિક આસ્થા રહેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ