વડોદરામાં ગત રાત્રે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે લોહીયાળ જંગ,સામસામે ફરિયાદ નોંધાઈ
વડોદરા,17 નવેમ્બર (હિ.સ.) વડોદરામાં ગત રાત્રે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો જેમાં તલવાર, લોખંડની પાઇપ અને લાકડીઓ વડે થયેલા આ હુમલામાં સામસામે ફરિયાદ નોંધાઈ. વડોદરાના પ્રતાપનગર બ્રિજ પાસે ગત રાત્રે જૂની અદાવતને લઈને બે પ
વડોદરામાં ગત રાત્રે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે લોહીયાળ જંગ,સામસામે ફરિયાદ નોંધાઈ


વડોદરા,17 નવેમ્બર (હિ.સ.) વડોદરામાં ગત રાત્રે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો જેમાં તલવાર, લોખંડની પાઇપ અને લાકડીઓ વડે થયેલા આ હુમલામાં સામસામે ફરિયાદ નોંધાઈ.

વડોદરાના પ્રતાપનગર બ્રિજ પાસે ગત રાત્રે જૂની અદાવતને લઈને બે પક્ષો સામસામે આવી જતા ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. તલવાર, લોખંડની પાઇપ અને લાકડીઓ વડે થયેલા આ હિચકારા હુમલામાં બંને પક્ષના યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જે મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદો નોંધાતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

વડોદરાના પ્રતાપનગર સિંધવાઈ માતા રોડ પર રહેતા અને ગેરેજ ચલાવતા પરમજીતસિંહ અર્જુનસિંહ પંજાબીએ જણાવ્યું છે કે, ગત 16 નવેમ્બરની રાત્રે તેઓ એક્ટિવા લઈને પ્રતાપનગર પુલ નીચે પાન ખાઈને પરત ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન સરકારી સ્કૂલ પાસે લાલબાગ નજીક જૂના ઝઘડાની અદાવત રાખી કરણિસિંહ શમશેરસિંહ પંજાબી, કિશનસિંહ ગોરખાસિંહ પંજાબી, વિશાલસિંહ શમશેરસિંહ પંજાબી અને ગુરમીતસિંહ બલદેવસિંહ પંજાબીએ તેમને રસ્તામાં આંતર્યા હતા.

આરોપીઓએ ગાળો બોલીને કરણિસિંહે મને કપાળના ભાગે તલવાર મારી દીધી હતી. જ્યારે કિશનસિંહે લોખંડની પાઇપ પગમાં મારી હતી. અન્ય આરોપીઓએ લાકડીઓ વડે છાતી અને હાથ પર મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બીજી તરફ, સામા પક્ષે શહેરના ડભોઇ રોડ પર આવેલ જય નારાયણનગરમાં રહેતા અને રિક્ષા ચલાવતા કરણસિંહ શમશેરસિંગ પંજાબીએ નોંધાવેલી વળતી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેઓ તેમના મામાના દીકરા કિશનસિંહ સાથે એક્ટિવા પર લાલબાગ ઢોરના ડબ્બા પાસે આવેલી સરકારી સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પરમજીતસિંહ પંજાબીએ 4 મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ગાળો બોલી ફોન કરીને સિંધવાઈ માતા સરદાર કોલોનીમાંથી રણજીતસિંહ પંજાબી તેમજ તેના કાકાઓ પોપીસિંગ, ડાર્લીસિંગ અને રણજીતસિંહને બોલાવી લીધા હતા.

આ ટોળકીએ હુમલો કરી પરમજીતસિંહે મને જમણા હાથે લાકડાનો ફટકો મારતા હાથમાં ફ્રેક્ચર થયું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ મકરપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande