
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના એક ગામની 14 વર્ષ અને 1 માસની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સગાઈની ના પાડવાના મુદ્દે આરોપીએ સગીરાના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ડીસા તાલુકાના યુવક અને તેના અજાણ્યા મિત્ર વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
ઘટના 11/11/2026ના રોજ ભાઈબીજના દિવસે બની હતી. સગીરા નજીકના મંદિરે દર્શન કરવા એકલી જઈ રહી હતી ત્યારે ડીસા તાલુકાનો યુવક અને તેનો મિત્ર બાઇક લઈને આવ્યા હતા. આશરે એક વર્ષ અગાઉ સગીરાની સગાઈ આરોપી સાથે કરવાની વાત થઈ હતી, પરંતુ ઉંમર નાની હોવાથી માતા-પિતાએ ના પાડી હતી. આ અદાવતમાં બંનેએ ધમકી આપી સગીરાનું બાઇક પર અપહરણ કર્યું હતું.
બંને સગીરાને છત્રાળા ગામે આરોપીના ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ આરોપી તેને ખેતરમાં આવેલી ઓરડીમાં લઈ ગયો હતો અને સગાઈ માટે દબાણ કરી માતા-પિતાને મારી નાખવાની ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
દરમિયાન પરિવારજનો શોધખોળ કરી રહ્યા હોવાની જાણ થતાં આરોપી સગીરાને પરત ઘરે લઈ ગયો હતો. ત્યાં પહોંચેલા સગીરાના પિતાના મામાએ તેને છોડાવી પરિવારનો સંપર્ક કર્યો હતો. 12/11/2026ના રોજ પરિવાર સગીરાને લઈને પરત ફર્યો હતો. ત્યારબાદ સગીરાએ માતાને સમગ્ર હકીકત જણાવતાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં આરોપી અને તેના અજાણ્યા મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ