
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં કનકેશ્વરીદેવીજીની મુલાકાત નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી પરિસરમાં તેમના આગમન પ્રસંગે ઉપસ્થિત સભ્યોએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કનકેશ્વરીદેવીજીએ યુનિવર્સિટી પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો તેમજ ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યાં હતાં.
ત્યારબાદ યોજાયેલી વિશેષ સભામાં કનકેશ્વરીદેવીજીએ ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કાર અને આધુનિક શિક્ષણના સમન્વય દ્વારા નવી પેઢીના સર્વાંગી ઘડતર અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે શિક્ષણની સાથે જીવનમૂલ્યો, સંસ્કાર અને સાંસ્કૃતિક વારસાનું મહત્વ સમજાવ્યું હતું. આધુનિક શિક્ષણ મેળવવાની સાથે યુવાનોમાં ભારતીય સંસ્કૃતિ અને સારા સંસ્કારોનું જતન થાય તે પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ ક્ષેત્રે હાથ ધરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ભવિષ્યના સંકલ્પો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં યુનિવર્સિટીના સભ્યો, શિક્ષણવિદો અને અન્ય આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ અને સંસ્કારના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ