
ભાવનગર 18 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાના મુસાફર ભારને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 12949/12950 (પોરબંદર–સંતરાગાછી–પોરબંદર)માં અસ્થાયી ધોરણે એક વધારાનો સ્લીપર કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક રેલ મુસાફરી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર, અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે મુખ્યાલય દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, ટ્રેન નંબર 12949/12950માં પોરબંદરથી ઉપડતી ટ્રેનમાં 20 નવેમ્બરથી 25 ડિસેમ્બર 2026 સુધી તથા સંતરાગાછીથી ઉપડતી ટ્રેનમાં 22 નવેમ્બરથી 27 ડિસેમ્બર 2026 સુધી એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે.
આ વધારાનો કોચ જોડાવાથી ટ્રેનના કુલ કોચની સંખ્યા 21 LHB કોચથી વધીને 22 LHB કોચ થઈ જશે. આથી મુસાફરોને વધારાની બર્થ ઉપલબ્ધ થશે અને તેમની મુસાફરી વધુ સુવિધાજનક બનશે.
પશ્ચિમ રેલવે મુસાફરોને વધુ સારી મુસાફર સુવિધાઓ પૂરી પાડવા તથા તેમની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ