ભાવનગરના મહુવામાં શ્રમ સંહિતાઓ અંગે જિલ્લા કક્ષાનો શ્રમ સંવાદ યોજાયો
ભાવનગર, 18 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા ખાતે એ.પી.એમ.સી.ના સરદાર હોલમાં શ્રમ સંહિતાઓ અંગે જાગૃતિ ફેલાવવા જિલ્લા કક્ષાનો શ્રમ સંવાદ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકો, ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને શ્રમિકો માટે શ્રમ કાયદાઓની જોગવાઈઓ,
શ્રમ સંવાદ યોજાયો


ભાવનગર, 18 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા ખાતે એ.પી.એમ.સી.ના સરદાર હોલમાં શ્રમ સંહિતાઓ અંગે જાગૃતિ ફેલાવવા જિલ્લા કક્ષાનો શ્રમ સંવાદ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકો, ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને શ્રમિકો માટે શ્રમ કાયદાઓની જોગવાઈઓ, સામાજિક સુરક્ષા તથા રોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના સલાહકાર ડૉ. આર.જી. મીનાએ જણાવ્યું હતું કે નવી શ્રમ સંહિતાઓ હેઠળ શ્રમ વિભાગ માત્ર નિરીક્ષણ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ ઉદ્યોગોને કાયદાનું પાલન કરવા માટે માર્ગદર્શન પણ આપશે. નિરીક્ષણ દરમિયાન ખામી જણાય તો સુધારણા માટે નોટિસ આપી જવાબ રજૂ કરવાની તક મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉની આશરે ૧,૨૮૦ કાયદાકીય કલમો ઘટાડીને ૪૮૦ કરવામાં આવી છે. જ્યારે ૧,૪૩૬ જેટલા નિયમોમાં પણ ઘટાડો કરાયો છે. અગાઉનાં ૮૪ રજિસ્ટરને બદલે હવે માત્ર આઠ રજિસ્ટરની જોગવાઈ કરવામાં આવી છે. આથી ઉદ્યોગો માટે દસ્તાવેજીકરણ અને કાયદાકીય પ્રક્રિયા સરળ બનશે.

કાર્યક્રમમાં પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર ક્રિષ્ના કુમારે સામાજિક સુરક્ષા સંહિતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. યોગેન્દ્રસિંહ શેખાવતે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે માહિતી આપી હતી. મદદનીશ શ્રમ આયુક્ત એસ.એ. ભપલે વેતન સંહિતા અને ઔદ્યોગિક સલામતી અંગે સમજ આપી હતી. જ્યારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના તથા ગુજરાત શ્રમ વિભાગની કામગીરી અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં ઉપસ્થિતોએ શ્રમ કાયદાઓ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રસંગે સરકારી શ્રમ અધિકારી કરણસિંહ ચુડાસમા, ઉદ્યોગસાહસિકો, એચ.આર. વ્યવસાયિકો, શ્રમ કાયદાના નિષ્ણાતો અને ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande