
ભાવનગર,18 નવેમ્બર (હિ.સ.)ભાવનગરમાં અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે પણ યુવાનો પોતાની પ્રતિભા અને મહેનતથી આગળ વધી રહ્યા છે. ત્યારે ભાવનગરનો 16 વર્ષીય વિશ્વ દવે બેડમિન્ટન ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી બેડમિન્ટન સાથે જોડાયેલા વિશ્વએ અત્યાર સુધી અનેક જિલ્લા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓમાં સફળતા મેળવી છે. ત્રણ વખત સ્ટેટ લેવલે રમી ચૂકેલો વિશ્વ હવે નેશનલ કક્ષાએ પહોંચવાનું લક્ષ્ય રાખીને મહેનત કરી રહ્યો છે.
શિક્ષક દંપતીનો પુત્ર વિશ્વ દવે નાની ઉંમરથી જ બેડમિન્ટન પ્રત્યે વિશેષ રસ ધરાવે છે. તેણે વિવિધ સ્પર્ધાઓમાં મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે. હાલમાં તે સરદાર પટેલ ખાતે આવેલી એકેડેમીમાં કોચના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યો છે. રમતની ટેકનિક, ફિટનેસ અને પ્રદર્શન સુધારવા માટે નિયમિત પ્રેક્ટિસ કરે છે. વેકેશન દરમિયાન પણ તાલીમ ચાલુ રાખી રમત પ્રત્યેની લગન દર્શાવી રહ્યો છે.
વર્ષ 2024માં SGFI અંડર-14 ગ્રામ્ય સ્પર્ધામાં ચેમ્પિયન બન્યો હતો. વર્ષ 2025માં ખેલ મહાકુંભ ભાવનગર ગ્રામ્ય અંડર-14માં ચેમ્પિયન, અમદાવાદ યુથ બેડમિન્ટન એકેડેમીની સ્પર્ધામાં રનરઅપ તથા ભાવનગર ઇન્ટર બેડમિન્ટન એકેડેમીમાં સિંગલ્સ અને ડબલ્સ બંને વિભાગમાં ચેમ્પિયન બન્યો હતો. વર્ષ 2026માં SGFI ભાવનગર શહેર અંડર-14 અને ઓપન ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ અંડર-15માં પણ ચેમ્પિયન બન્યો હતો.
માતા-પિતાના પ્રોત્સાહન અને સતત મહેનતના બળે વિશ્વ હવે નેશનલ કક્ષાએ રમવાનું સપનું સાકાર કરવા પ્રયત્નશીલ છે. તેની સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થીઓને પણ અભ્યાસની સાથે રમતગમતમાં આગળ વધવા પ્રેરણા પૂરી પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA