
- 19 નવેમ્બરે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે.
ગાંધીનગર, 18 નવેમ્બર (હિ.સ.) દેશના તમામ પોલીસ દળો અને અર્ધલશ્કરી દળોમાં ખેલદિલી, શારીરિક સક્ષમતા અને પરસ્પર ભાઈચારો વધારવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ ખાતે ‘તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેડમિન્ટન અને ટેબલ ટૅનિસ રમતોનો સમાવેશ થાય છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ આગામી 19 નવેમ્બર,2026 ના રોજ અમદાવાદના વીર સાવરકર કૉમ્પ્લેક્સ ખાતે ગુજરાતના રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહની અધ્યક્ષતામાં યોજાશે.
રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ટુર્નામેન્ટની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની યજમાનીમાં યોજાનારી આ રાષ્ટ્રીય સ્પર્ધાને દેશભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. સ્પર્ધામાં વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય પોલીસ દળો મળી કુલ 38 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 890 પુરુષ ખેલાડીઓ તેમજ 272 મહિલા ખેલાડીઓ પોતપોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
રમતના મેદાનમાં હોદ્દાના ભેદભાવ વિના 463 ગેઝેટેડ ઓફિસર્સ અને 699 નોન-ગેઝેટેડ ઓફિસર્સ ખભે-ખભો મિલાવીને રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કરશે. યજમાન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા સહિતના રાજ્યો તથા ઇન્ટેલિજન્સ બ્યુરો, CRPF અને BSF જેવા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ટીમો આ રોમાંચક મુકાબલાઓ માટે સજ્જ બની છે.
રાજ્ય પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું હતું કે, વીર સાવરકર કૉમ્પ્લેક્સ ખાતે 19 થી 24 નવેમ્બર દરમિયાન યોજાનાર આ ટુર્નામેન્ટ માત્ર રમતગમતની હરીફાઈ પૂરતી સીમિત નથી, પરંતુ ફરજની વ્યસ્તતા વચ્ચે પોલીસ કર્મચારીઓમાં માનસિક અને શારીરિક તંદુરસ્તી જાળવી રાખવા માટેનું એક ઉત્તમ માધ્યમ છે. આગામી દિવસોમાં યોજાના આ સ્પર્ધાઓથી દેશભરના પોલીસ દળો વચ્ચે પરસ્પર સંકલન, ટીમ ભાવના અને ઉત્સાહમાં નવો સંચાર થશે.
નોંધનીય છે કે, આ ટુર્નામેન્ટ અનુસંધાને રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક સ્વયં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ગેમ્સમાં સહભાગી થશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ