કર્મચારીઓની સુરક્ષા માટે RPFની સતર્કતા અને તત્પરતાથી ત્રણ કેસમાં અસરકારક કાર્યવાહી
ભાવનગર 18 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા સરકારી રેલવે પોલીસ (GRP)ના સંકલનથી સતત અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં વર્ષ 2026 દરમિયાન ચલાલા,
કર્મચારીઓની સુરક્ષા માટે RPFની સતર્કતા અને તત્પરતાથી ત્રણ કેસમાં અસરકારક કાર્યવાહી


ભાવનગર 18 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા સરકારી રેલવે પોલીસ (GRP)ના સંકલનથી સતત અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં વર્ષ 2026 દરમિયાન ચલાલા, રાણપુર અને લીલિયામાં ફરજ પર તૈનાત રેલવે કર્મચારીઓ સાથે મારપીટની ત્રણ ઘટનાઓમાં ત્વરિત કાર્યવાહી કરીને કુલ 11 આરોપીઓને પકડવામાં આવ્યા છે, જેમાં 5 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોનો સમાવેશ થાય છે.

આ પૈકી 30 જુલાઈના રોજ ચલાલા રેલવે સ્ટેશન પર ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ તેજરાજ મીણા સાથે મારપીટના કેસમાં 7 આરોપીઓ, 10 ઓગસ્ટના રોજ રાણપુર સ્ટેશન પર સ્ટેશન માસ્ટર અનિલ કુમાર તિવારી સાથે મારપીટના કેસમાં 2 આરોપીઓ તથા 9 ઓક્ટોબરના રોજ લીલિયા રેલવે ફાટક નંબર 41/SPL પર ગેટમેન મન્સારામ કાશીરામ દહીવાલે સાથે મારપીટના કેસમાં 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે. તમામ કેસોમાં નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર, અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓની સુરક્ષા રેલવેની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક છે. RPF અને GRPના સંકલિત પ્રયાસોથી આ કેસોમાં ત્વરિત કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી છે.

મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, દિનેશ વર્માએ RPF અને GRPના સરાહનીય પ્રયાસોની પ્રશંસા કરતાં સુરક્ષા કર્મચારીઓની સતર્કતા અને તત્પરતાને બિરદાવી હતી.

મંડળ સુરક્ષા આયુક્ત, ભાવનગર, અજય શર્માના માર્ગદર્શન હેઠળ RPF દ્વારા મુસાફરો અને રેલવે કર્મચારીઓની સુરક્ષા તથા ગુનાઓની રોકથામ માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રેલવે પ્રશાસન તમામ મુસાફરો અને રેલવે કર્મચારીઓને રેલવે પરિસરમાં શાંતિ અને શિસ્ત જાળવવા તેમજ કોઈપણ અપ્રિય ઘટનાની જાણ તાત્કાલિક RPF અથવા રેલવે પ્રશાસનને કરવા અપીલ કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande