રાજકોટના સોની બજારમાં 4 લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો : ફરિયાદી કારીગર જ કાવતરાખોર નીકળ્યો, ત્રણ સાગરીતો ઝડપાયા
રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે સોની બજાર વિસ્તારમાં એક્ટિવા પર જતા કારીગરને લિફ્ટ લેવાના બહાને રોકી છરીની અણીએ રૂ. ૪ લાખના સોનાના તારની લૂંટ ચલાવવાના ચકચારી બનાવનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમ
લૂંટના આરોપીઓની ધરપકડ


રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે સોની બજાર વિસ્તારમાં એક્ટિવા પર જતા કારીગરને લિફ્ટ લેવાના બહાને રોકી છરીની અણીએ રૂ. ૪ લાખના સોનાના તારની લૂંટ ચલાવવાના ચકચારી બનાવનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ફરિયાદી કારીગરે જ તેના ત્રણ મિત્રો સાથે મળી લૂંટનું કાવતરું રચ્યું હતું. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી રૂ. ૩.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

શહેરના સોની બજાર માંડવી ચોક પાસે જૂઠા દોશીની શેરીમાં બાલાજી તારવાળાની દુકાનમાં કામ કરતા અને મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર તાલુકાના હીંગોલા ગામના વતની ૧૯ વર્ષીય સચીન મુલારામ મીણાએ ગત તા. ૪/૧૧ના રોજ એ-ડિવિઝન પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ સચીન તેના શેઠ ઉમેદારામ હીરારામ ચૌહાણની દુકાનેથી રૂ. ૪ લાખની કિંમતનો સોનાના તારનો જથ્થો લઈ એક્ટિવા પર કોઠારીયા ચોકી પાસે દુકાન ધરાવતા નિર્મલ પરમારને આપવા જતો હતો. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યા હિન્દીભાષી શખ્સે પગમાં ઈજા હોવાનું બહાનું બતાવી લિફ્ટ માંગી હતી અને થોડે આગળ જતા ચાલકને છરી બતાવી સોનાનો તાર લૂંટી ફરાર થઈ ગયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૯(૪), ૩૫૧(૨) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમ ભરત બી. બસીયાએ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર અને સી. એચ. જાદવના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણ કોઠીવાળ, પુષ્પરાજસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ ધર્મેશ ખાંડેખા અને અરવિંદ ફતેપરાને ચોક્કસ બાતમી મળી હતી કે લૂંટમાં સામેલ શખ્સો રાજસ્થાન તરફના છે અને શંકાસ્પદ સોનાના તાર સાથે ફરી રહ્યા છે.

બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં મૂળ રાજસ્થાનના પાલી મારવાડના જગદંબા કોલોની કેશવનગર સુમેરપુર રોડ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા શીવલાલ છોગારામ મેઘવાર (ઉં.વ. ૨૮), મૂળ રાજસ્થાનના અને હાલ મુંબઈના કાંદિવલી ઈસ્ટ નરસીપાડા આકુરલી રોડ દુર્ગા મંદિર પાસે રહેતા તથા ઈમિટેશન જ્વેલરીનો વેપાર કરતા શ્રવણ ચેલારામ ચૌધરી (ઉં.વ. ૨૫) અને પાલી મારવાડના માનપુરા ખાતે કીરોકી ધાણીમાં રહેતા તથા ખેતીકામ કરતા રાજુરામ ભંવરલાલ કીર (ઉં.વ. ૩૯)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો ૧૬ કેરેટનો ૪૩.૦૩૦ ગ્રામ વજનનો રૂ. ૩,૯૦,૦૦૦ની કિંમતનો સોનાનો તાર કબજે કર્યો છે.

પોલીસની સઘન પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે આ લૂંટનો ભોગ બનનાર ફરિયાદી સચીન મુલારામ મીણા પોતે જ આ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર હતો. પકડાયેલા ત્રણેય આરોપીઓ અને ફરિયાદી સચીન એકબીજાના મિત્રો છે. દિવાળીનો તહેવાર હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થતા સચીન અને શીવલાલે ભેગા મળીને લૂંટનું નાટક રચવાનો પ્લાન ઘડ્યો હતો. આયોજન મુજબ શ્રવણ અને રાજુરામ ખાનગી વાહનમાં રાજકોટ આવ્યા હતા. અહીં શીવલાલે સોની બજારમાં રેકી કરી હતી અને સચીન દુકાનમાંથી સોનું લઈને નીકળતા જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ લિફ્ટ લઈ છરી બતાવી લૂંટનો દેખાવ ઊભો કરી ત્રણેય સાગરીતો નાસી છૂટ્યા હતા.

શરૂઆતમાં પોલીસને માત્ર એક જ અજાણ્યા શખ્સે લૂંટ ચલાવી હોવાની માહિતી આપવામાં આવી હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તપાસમાં ફરિયાદીની ભૂમિકા શંકાસ્પદ જણાતા સમગ્ર ગુનાહિત કાવતરાનો પર્દાફાશ થયો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ફરિયાદી સચીન મીણાની સંડોવણી અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પીએસઆઈ ડી. પી. ઝાલા, એ. એન. પરમાર, વી. ડી. ડોડીયા, વી. ડી. રાવલીયા, એસ. એમ. રાણા સહિત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ જોડાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande