
સુરત, 18 નવેમ્બર (હિ.સ.) : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાન, સંસ્કૃતિ અને પરંપરાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં ‘જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે કામરેજ તાલુકાના શામપુરા ગામના સાંસ્કૃતિક ભવન ખાતે જનજાતીય મહિલા સભા યોજાઈ હતી. જેમાં મહાનુભાવોને હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ તેમજ મહિલા સશક્તિકરણ, કન્યા કેળવણી, મહિલા સુરક્ષા, પોષણ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય વક્તા અને એસ.ટી. મોરચાના મહામંત્રી ધર્મિષ્ઠાબેન પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના વિચારો, સંઘર્ષ અને બલિદાનની ગાથા જન-જન સુધી પહોંચાડવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ભગવાન બિરસા મુંડાએ અન્યાય અને શોષણ સામે લડી સમાજમાં સ્વાભિમાન અને જાગૃતિનો સંદેશ આપ્યો હતો. ત્યારે મહિલાઓએ પણ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બની આત્મસન્માન સાથે આગળ આવવાનો અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકારે મહિલાઓના શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેના થકી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. આજે આદિવાસી મહિલાઓ સ્વસહાય જૂથો અને લઘુ ઉદ્યોગો થકી આર્થિક રીતે પગભર બની રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આદિવાસી સમાજમાંથી આવે છે, તે સમગ્ર સમાજ માટે ગૌરવ અને મહિલાઓ માટે પ્રેરણાનું પ્રતીક છે. દીકરીઓ શિક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવાની હિમાયત તેમણે કરી હતી.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ચેતન દેસાઈએ જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્ય કે દેશની પ્રગતિનો સાચો માપદંડ મહિલાઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ પરથી જાણી શકાય છે. મહિલાઓના સશક્તિકરણ અને ઉત્થાન માટે સરકાર સતત કટિબદ્ધ છે. સખી વન સ્ટોપ સેન્ટર અને મહિલા હેલ્પલાઇન દ્વારા મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને જરૂરી સુરક્ષા અને સહાય પૂરી પાડવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રો દ્વારા સગર્ભા મહિલાઓ અને બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે, જ્યારે સખી મંડળો દ્વારા મહિલાઓને રોજગારી અને સ્વરોજગાર સાથે જોડીને આત્મનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ અવસરે મહિલા અને બાળ અધિકારી કચેરીના મનીષાબેન જાદવે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ- દીકરીઓના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. વ્હાલી દીકરી યોજના થકી દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને લગ્ન સુધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત મુશ્કેલીમાં મૂકાયેલી, પીડિત તેમજ નિરાધાર મહિલાઓને આશ્રય તથા જરૂરી સુવિધાઓ પૂરી પાડવા નારીગૃહ અને મહિલાઓને કાયદાકીય સહિતની સહાય આપવા સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. તેમણે મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે તા.પં. પ્રમુખ કૌશલભાઈ પટેલ, ઉપપ્રમુખ સુમનબેન રાઠોડ, જિ.પં. સભ્ય મહેશભાઈ સોલંકી, શાસક પક્ષના નેતા કિશોરભાઈ દુધાત, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ મહ્યાવંશી, સી.ડી.પી.ઓ. શિલ્પાબેન ચૌધરી, એ.ટી.ડી.ઓ., સરપંચ, અધિકારી- કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે