


- ગરબાડા તાલુકાના 72 કલાકના પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે સરાબલી ગામના અદના આદિજાતિ પરિવારના ઘરે બપોરનુ ભોજન લીધુ.
ગાંધીનગર, 18 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડાના ગામોનો ત્રિ દિવસીય પ્રવાસ શરૂ કર્યો છે.
ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની છાપ ધરાવવા સાથે સરળ, સાહજિક અને આપણા ભૂપેન્દ્ર દાદા તરીકે પણ લોકપ્રિય બન્યા છે.
મુખ્યમંત્રી એ આદિજાતિ વિસ્તારની મુલાકાત દરમિયાન પોતાની આગવી સાહજિકતાનો વધુ એક પરિચય સરાબલી ગામના અદના આદિજાતિ પરિવારના ઘરે નીચે બેસીને પરિવાર સાથે ભોજન લઈને આપ્યો હતો.
તેમણે આ પરિવારના વડિલો અને બહેનો સાથે વાતચિત કરીને પારિવારિક સ્થિતી જાણી હતી તેમજ બાળકોના અભ્યાસ, પરિવારની આજિવિકા અંગે પૃચ્છા કરી હતી.
મુખ્યમંત્રી એ આ અગાઉ ગરબાડા પહોચ્યા ત્યારે સૌ પ્રથમ ઘરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. આ વેળાએ આદિવાસી સંસ્કૃતિ અને લોકપરંપરા તથા ઉત્સવના માહોલ વચ્ચે ગ્રામજનોએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ ત્યારે પણ ભૂપન્દ્ર પટેલની સાદગીનો સૌને પરીચય થયો હતો.
સ્વાગત નૃત્ય કરતી ટીમે મુખ્યમંત્રી સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ સહજ ભાવે ટીમ સાથે ઉભા રહી ગયા અને ફોટોગ્રાફ પડાવ્યો. તેમને આ આદિવાસી કલાકારોએ પરંપરાગત આદિવાસી કોટી, ભોરીયું અને તીર-કામઠું અર્પણ કરીને સત્કાર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ