રાજકોટમાં આત્મહત્યાના વધતા કિસ્સાઓ અટકાવવા શહેર પોલીસ દ્વારા 24x7 ‘જીવન આસ્થા કેન્દ્ર’ હેલ્પલાઈનનો શુભારંભ
રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના અહેવાલ મુજબ સમગ્ર ગુજરાતમાં આત્મહત્યાનો દર પ્રતિ લાખ વસ્તીએ ૧૨.૪ છે, જ્યારે રાજકોટમાં આ દર ૩૯.૩ જેટલો ઊંચો છે અને દેશભરના ૫૩ મુખ્ય શહેરોમાં તે બીજા ક્રમે આવે છે, જ્યાં ૫૪૬ અકાળે મોતના બન
જીવન આસ્થા કેન્દ્ર હેલ્પલાઇનનો પ્રારંભ


રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના અહેવાલ મુજબ સમગ્ર ગુજરાતમાં આત્મહત્યાનો દર પ્રતિ લાખ વસ્તીએ ૧૨.૪ છે, જ્યારે રાજકોટમાં આ દર ૩૯.૩ જેટલો ઊંચો છે અને દેશભરના ૫૩ મુખ્ય શહેરોમાં તે બીજા ક્રમે આવે છે, જ્યાં ૫૪૬ અકાળે મોતના બનાવો નોંધાયા છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા હતાશામાં સરી પડેલા નાગરિકો અને વિદ્યાર્થીઓને તાત્કાલિક માનસિક સહારો પૂરો પાડવા માટે વિશેષ “જીવન આસ્થા કેન્દ્ર” આત્મહત્યા નિવારણ હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના હસ્તે આ હેલ્પલાઇન કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમની સાથે કલેક્ટર ડો.ઓમપ્રકાશ, એસપી વિજયસિંહ ગુર્જર, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી જગદીશ બાંગરવા તથા ધારાસભ્ય રમેશભાઈ ટીલારા ઉપસ્થિત રહ્યા હતા.

આ હેલ્પલાઈન [૯૭૧૨૩૪૭૭૪૪] નંબર દ્વારા દિવસ-રાત ૨૪ કલાક અવિરત સેવા પૂરી પાડવામાં આવશે, જેમાં અનુભવી કાઉન્સિલર્સ અને પ્રશિક્ષિત પોલીસ કર્મચારીઓની ટીમ ફોન કરનારની સમસ્યા શાંતિથી સાંભળીને તેમને યોગ્ય સધિયારો અને ઉકેલ આપશે. આ સેવા દરમિયાન સંપર્ક કરનાર નાગરિકોની તમામ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે તથા કોઈ અત્યંત કટોકટીની પરિસ્થિતિમાં લોકેશન ટ્રેક કરીને પીસીઆર વાન દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને જીવ બચાવવાની સઘન તકેદારી રાખવામાં આવશે.

કોઈપણ પ્રકારની આર્થિક સંકડામણ, પારિવારિક વિખવાદ કે અભ્યાસના ભારણ હેઠળ માનસિક તણાવ અનુભવતા વ્યક્તિઓ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરતા પહેલા હેલ્પલાઈન અથવા પોલીસ કંટ્રોલ રૂમ ૧૧૨નો સંપર્ક સાધે. આ સંદર્ભે રજૂ કરાયેલા આંકડાકીય અહેવાલો મુજબ વર્ષ ૨૦૨૨માં ૫૫૦, ૨૦૨૩માં ૫૩૭, ૨૦૨૪માં ૫૪૬ અને ૨૦૨૫માં ૪૮૮ જેટલા આપધાત કેસો નોંધાયા હતા, જેને નાથવા માટે આ કેન્દ્ર અગત્યની ભૂમિકા ભજવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande