
ભાવનગર, 18 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના વલભીપુર પંથકમાં પાછોતરો વરસાદ પૂરતો ન વરસતાં ખેતી માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. વરસાદની અછતને કારણે ખેતરોમાં ઉભા પાકને પૂરતું પાણી મળી રહ્યું નથી, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાસ કરીને કપાસના પાકમાં પાણીની અછતની અસર જોવા મળી રહી છે. કપાસના જીંડવા પૂરતા પ્રમાણમાં વિકસિત થઈ શકતા ન હોવાથી ઉત્પાદન ઘટવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
પંથકમાં વરસાદ ઓછો પડતાં ખેડૂતોના કુવા અને બોરવેલના પાણીના સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે. ખેડૂતો પાસે પિયત માટે વૈકલ્પિક વ્યવસ્થા હોવા છતાં પાણીના સ્તર ઘટતાં તેનો ઉપયોગ મુશ્કેલ બન્યો છે. પરિણામે ઉભા પાકને જરૂરી પાણી આપવું ખેડૂતો માટે પડકારરૂપ બન્યું છે.
હાલની પરિસ્થિતિમાં નર્મદા કેનાલ મારફતે વલભીપુર પંથકના ખેડૂતોને તાત્કાલિક સિંચાઈનું પાણી આપવામાં આવે તો પાકને બચાવવામાં મદદ મળી શકે તેમ છે. ખેડૂતો દ્વારા નર્મદા કેનાલનું પાણી વહેલી તકે ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી રહી છે. જો સમયસર પાણી નહીં મળે તો ખેતીના ઉત્પાદન પર તેની ગંભીર અસર થવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA