ભાવનગર : બાગાયતદારો માટે ત્રણ સહાયલક્ષી યોજનાઓના દ્વાર ખુલ્યા, 30 નવેમ્બર સુધી અરજી કરી શકાશે
ભાવનગર, 18 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના બાગાયતી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને સરકારી સહાયનો લાભ મળી રહે તે માટે વર્ષ 2026-27ની ત્રણ મહત્વપૂર્ણ યોજનાઓ હેઠળ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી આ યોજનાઓ માટે
હળદર ફાઈલ ફોટો


ભાવનગર, 18 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના બાગાયતી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને સરકારી સહાયનો લાભ મળી રહે તે માટે વર્ષ 2026-27ની ત્રણ મહત્વપૂર્ણ યોજનાઓ હેઠળ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી આ યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બાગાયતદારો આગામી 30 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

આ યોજનાઓમાં બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોના વાવેતર વિસ્તારનો વ્યાપ વધારવાનો કાર્યક્રમ, આદુ અને હળદર જેવા રાઇઝોમેટિક પાકોના વાવેતરને પ્રોત્સાહન આપવાની યોજના તેમજ ફળપાકોમાં ફિલ્ડ કવરનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ સામેલ છે. આદુ અને હળદર પાક માટેની યોજનાનો લાભ માત્ર અનુસૂચિત જાતિના ખેડૂતોને મળશે.

યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતોએ 16 નવેમ્બરથી 30 નવેમ્બર, 2026 દરમિયાન www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ નંબર મારફતે ઓટીપી વેરિફિકેશન કરાવી નોંધણી કરવી ફરજિયાત છે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ પણ પોતાની પાસે સાચવી રાખવી પડશે.

અરજી મંજૂર થયા બાદ સહાય મેળવવા માટે બિલ સહિતના જરૂરી દસ્તાવેજો નાયબ બાગાયત નિયામકની કચેરી, સરકારી ટેકનિકલ સ્કૂલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે જમા કરાવવાના રહેશે.

યોજનાઓ અંગે વધુ માહિતી માટે ખેડૂતો 0278-2420444 નંબર પર સંપર્ક કરી શકશે. બાગાયતદારોને સમયમર્યાદામાં અરજી કરી યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande