
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે આત્મા (ATMA) પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. માહિતી બ્યુરો, પાટણ દ્વારા 17 નવેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલી યાદી મુજબ, કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અંગે માહિતગાર કરી ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે સમોડા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક અને વડા ઉપેશકુમાર પટેલે ખેડૂતોને માર્ગદર્શન આપતાં જમીનની ફળદ્રુપતા જાળવવાના વિવિધ ઉપાયો સમજાવ્યા હતા. સાથે જ રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વપરાશ ઘટાડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અપીલ કરી હતી.
તાલીમ કાર્યક્રમમાં તાલુકા મેનેજર કુલદીપભાઈ દેસાઈએ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને નવી કૃષિ પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરીને ઉત્પાદન ખર્ચ ઘટાડવા તેમજ પાકનું ઉત્પાદન વધારવા માટેની વિવિધ રીતો સમજાવી હતી. ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે જરૂરી સાવચેતી રાખવા અંગે પણ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતીનું મહત્વ, આધુનિક કૃષિ સાધનોનો યોગ્ય ઉપયોગ અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ખેડૂતો જમીન અને પાણી જેવા કુદરતી સંસાધનોનું જતન કરે તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ટકાઉ ખેતી તરફ આગળ વધે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દ્વારા ખેડૂતોને ખેતીમાં નવીનતા અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ