


- હિટાચી અને હાઈવા ટ્રક સીઝ, સ્થળ માપણી શરૂ
છોટાઉદેપુર, 18 નવેમ્બર (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લામાં ધમધમતા ગેરકાયદે રેતીખનન સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાવીજેતપુર તાલુકાના વાંકોલ ગામે મોટા પાયે થઈ રહેલા બિનઅધિકૃત રેતીખનન સામે ગ્રામજનોએ અવાજ ઉઠાવી હલ્લાબોલ કર્યા બાદ આખરે ઊંઘતા ઝડપાયેલા વહીવટી તંત્રને ભાન થયું છે અને ખાન-ખનીજ વિભાગ દ્વારા કડક તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાવીજેતપુર નજીક આવેલા વાંકોલ ગામે નદી પટમાંથી બેફામ રીતે રેતી ચોરી થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ગ્રામજનોએ સ્થળ પર પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોના આક્રોશને પગલે છોટાઉદેપુર ખાન-ખનીજ વિભાગની ટીમને તાબડતોબ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.
ખાન-ખનીજ વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને ગેરકાયદે ખનનમાં સંડોવાયેલું હિટાચી મશીન તેમજ હાઈવા ડમ્પર સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત, વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચીને સમગ્ર વિસ્તારની વિગતવાર માપણી અને તપાસ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્થળ તપાસ દરમિયાન એ બાબતની ચોક્કસ ગણતરી કરવામાં આવી રહી છે કે સ્થળ પરથી કેટલા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે રેતી ખોદીને લઈ જવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે તપાસના અંતે સામે આવનાર ચોરીના આંકડા મુજબ કસૂરવારો સામે ખાન-ખનીજ વિભાગ દ્વારા કેટલી દંડાત્મક કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ