
જુનાગઢ, 18 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમામાં પધારનારા લાખો ભાવિકોની આરોગ્ય સુરક્ષા અને તાત્કાલિક તબીબી સારવાર સુનિશ્ચિત કરવા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમા માર્ગ અને ગિરનાર પર્વત પર મળી કુલ ૧૧ સ્થળોએ કામચલાઉ દવાખાનાં શરૂ કરાશે. ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, જીવનરક્ષક દવાઓ અને પ્રાથમિક સારવારની સુવિધાઓ સાથે આ દવાખાનાં કાર્યરત થશે.
આરોગ્યતંત્ર દ્વારા પરિક્રમાના જંગલ વિસ્તારમાં ઝીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલા, નળપાણીની ઘોડી, શ્રવણની કાવડ, સરકડિયા, બોરદેવી, બોરદેવી મંદિર અને ભવનાથ ખાતે કામચલાઉ દવાખાનાં ઊભાં કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગિરનાર પર્વત પર જૈન દેરાસર અને અંબાજીની ટૂંક ખાતે પણ મેડિકલ ટીમ તૈનાત રહેશે. દરેક સ્થળે ડોક્ટર, ફાર્માસિસ્ટ અને પેરામેડિકલ સ્ટાફ સાથે હાર્ટ એટેક સહિતની ગંભીર તબીબી સ્થિતિમાં ઉપયોગી જીવનરક્ષક દવાઓ તથા પ્રાથમિક સારવારનાં સાધનો ઉપલબ્ધ રહેશે.
પરિક્રમા દરમિયાન તબીબી સેવાઓ વધુ સુદૃઢ બને તે માટે પોલીસની રાવટીઓ પૈકી જરૂરિયાતવાળા સ્થળોએ ૮ વધારાની મેડિકલ ટીમો તૈનાત કરવાના આદેશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ સાથેની ૧૯ વધારાની ટીમો પણ કાર્યરત રહેશે. પરિક્રમા માર્ગના તમામ નિયત પોઈન્ટ પરથી પસાર થતા વૃદ્ધ ભાવિકોના બ્લડપ્રેશર અને ઓક્સિજન લેવલ સહિતની આરોગ્ય તપાસ કરવામાં આવશે. ખાસ કરીને હૃદયની તકલીફ ધરાવતા ભાવિકોને ઓળખી જરૂરી તબીબી માર્ગદર્શન અને સારવાર મળી રહે તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવશે. દરેક કામચલાઉ દવાખાનામાં બે સ્ટ્રેચરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ઇમરજન્સી સારવાર માટે ઝીણાબાવાની મઢી, બોરદેવી, બોરદેવી મંદિર, નળપાણીની ઘોડી-શ્રવણની કાવડ, ભવનાથ અને સરકડિયા સહિતના સ્થળોએ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. માળવેલા ખાતે વાહન પહોંચી શકે તેમ ન હોવાથી ત્યાંની એમ્બ્યુલન્સ નજીકના સરકડિયા ખાતે રાખવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાની બે મોબાઈલ હેલ્થ યુનિટ વાન પણ પરિક્રમા દરમિયાન ઉપલબ્ધ રહેશે.
આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવશે. પરિક્રમા વિસ્તારમાં આરોગ્ય ટીમો, ક્લોરિનેશન, સેનિટેશન અને જનજાગૃતિ -આઈ.ઈ.સી.ની કામગીરીના સંકલન માટે જિલ્લા કક્ષાના અલગ-અલગ લાયઝન અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ભવનાથ ખાતેની નાકોડા હોસ્પિટલમાં કામચલાઉ આઈ.સી.યુ. કાર્યરત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આમ, પરિક્રમામાં આવતા ભાવિકોને પ્રાથમિક સારવારથી લઈને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાય મળી રહે તે માટે આરોગ્યતંત્ર દ્વારા સુઆયોજિત વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ