


- રાજ્યપાલએ યુરિયા સહિતના રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ ત્યાગીને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને આહ્વાન કર્યું.- પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ વિવિધ ફળ અને શાકભાજીના પાકનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે પ્રત્યક્ષ સંવાદ કરતાં રાજ્યપાલ
અમરેલી, 18 નવેમ્બર (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અમરેલી જિલ્લાના રાજુલાના તાલુકાના ઝાંપોદર (જુની માંદરડી રોડ સ્થિત) મુકામે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત દાના લાડુમોરના ખેતરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ અહીં આંબા, વિવિધ ફળ અને શાકભાજી સહિતના પાકનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
આ મુલાકાત વેળાએ રાજ્યપાલએ ખેડૂતોને યુરિયા સહિત રાસાયણિક ખાતરયુક્ત અને જંતુનાશક દવાઓયુક્ત ખેતી છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અપનાવી લોક કલ્યાણકારી ખેતી અપનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.
રાજ્યપાલએ આ મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે આત્મીયતાભર્યો સંવાદ કર્યો હતો તથા પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના પ્રોત્સાહક અનુભવો જાણી હર્ષ વ્યક્ત કર્યો હતો.
રાજ્યપાલની મુલાકાત વેળાએ જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી, સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલા, રાજુલા ધારાસભ્ય હિરા સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાકૃતિક કૃષિકાર દાના લાડુમોરના ફાર્મ ખાતે કૃષિ વૈજ્ઞાનિક દ્વારા ઉપસ્થિત સર્વે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, તેનું મહત્વ અને જીવામૃત, ધનજીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજ્યપાલએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ સતત વધી રહ્યું છે, તેની નકારાત્મક અસરો માત્ર જળ,જમીન અને વાયુ પર નહીં, પરંતુ સાથે સાથે માનવીય જીવન પર પણ પડી રહી છે. કેન્સર સહીતના જીવલેણ રોગ સતત વધી રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા અવિવેકી ઉપયોગથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું સ્તર સતત ઘટી રહ્યું છે. આપણો ખોરાક હવે ગુણવત્તા ગુમાવી રહ્યો છે. જમીન પ્રદૂષિત બનીને બંજર બની રહી છે.
રાજ્યપાલએ વર્તમાનની સાથે ભવિષ્યનો વિચાર કરીને પરિવારની જરૂરીયાત પ્રમાણે થોડી જમીનમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ એ વિચાર પર વાત આગળ વધારતા ભારપૂર્વક જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એ પુણ્યનું કામ છે, પ્રાકૃતિક કૃષિ કરવાથી આવકમાં ઘટાડો થાય છે, તે ધારણા મૂળમાંથી જ ખોટી સાબિત થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ