રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના છાસીયા ગામની વાડીમાંથી રૂ.3.52 કરોડનો લીલો ગાંજો ઝડપાયો
રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદે પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક
ગાંજાના જથ્થા સાથે શખસ ઝડપાયો


રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદે પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર ની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ, રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા વીંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો દરોડો પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે રૂ.૩,૫૨,૭૪,૫૦૦ ની કિંમતનો ૭૦૫ કિલો ૪૯૦ ગ્રામ લીલા ગાંજાનો જથ્થો જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે.

ઘટનાની વિગત મુજબ, તા. ૧૮ નવેમ્બર ૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ.પારગી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.જે.ઝાલા પોતાની ટીમ સાથે જસદણ અને વીંછિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને ચંદુભાઈ પલાળીયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વીંછિયા તાલુકાના છાસીયા ગામની ઝરડા સીમ વિસ્તારમાં રહેતા સવશીભાઈ બચુભાઈ મીઠાપરાએ પોતાની માલિકીની વાડીમાં ગેરકાયદે રીતે માદક પદાર્થ ગાંજાનું વાવેતર કર્યું હતું. આરોપીએ આ ગાંજાના લીલા છોડને ઉખાડીને પોતાની વાડીના શેઢે સૂકવવા માટે રાખ્યા હતા.

આ મળેલી ચોક્કસ હકીકતના આધારે એસ.ઓ.જી. અને એન્ટી નાર્કોટિક્સ વિંગની સંયુક્ત ટીમે તાત્કાલિક અસરથી ઝરડા સીમ વિસ્તારમાં આવેલી સવશીભાઈ મીઠાપરાની વાડી પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વાડીના શેઢે સૂકવવા માટે રાખેલા ગાંજાના લીલા છોડનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ ૭૦૫ કિલો અને ૪૯૦ ગ્રામ લીલો ગાંજો કબજે કર્યો હતો, જેની બજાર કિંમત અંકે રૂ.૩,૫૨,૭૪,૫૦૦ જેટલી થાય છે.

પોલીસે ઘટનાસ્થળેથી ૫૫ વર્ષીય આરોપી સવશીભાઈ બચુભાઈ મીઠાપરાને દબોચી લીધો હતો. આરોપી વિરુદ્ધ વીંછિયા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો, તેના બિયારણ ક્યાંથી મેળવ્યા હતા અને તેનું વેચાણ કોને કરવાનો હતો તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande