
ભાવનગર,18 નવેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો એકત્ર થયો હોવાના કારણે તેમજ તુલસી વિવાહની રજા આવતી હોવાથી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા દ્વારા મગફળીની આવક પર અસ્થાયી પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.
બજાર સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી જાણ મુજબ, 18 નવેમ્બર 2026ના રોજ સવારે 9 વાગ્યાથી મગફળી વેચાણ માટે લાવતા ખેડૂતો અને કમિશન એજન્ટોના વાહનોને મુખ્ય યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. યાર્ડમાં હાલ મગફળીનો ભરાવો થયો હોવાથી માલના વ્યવસ્થિત નિકાલ અને બજારની કામગીરીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આવક બંધ રહ્યા બાદ 22 નવેમ્બર, રવિવારના રોજ સાંજે 6 વાગ્યાથી ફરી મગફળીની આવક શરૂ કરવામાં આવશે. ત્યારબાદ સવારના 9 વાગ્યા સુધી રાબેતા મુજબ મગફળીના વાહનોને મુખ્ય યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે.
બજાર સમિતિના સેક્રેટરી વી.પી. પાંચાણીએ ખેડૂતો અને કમિશન એજન્ટોને જાહેર જાણની નોંધ લેવા અપીલ કરી છે. મગફળી વેચાણ માટે યાર્ડમાં આવતા ખેડૂતોને આવક શરૂ થવાના સમય અનુસાર પોતાનો માલ લાવવા સૂચના આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA