
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વેડ ગામની સીમમાં પાટણ SOGની ટીમે દેશી હાથબનાવટની બંદૂક સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પકડાયેલા યુવકની ઓળખ સમી તાલુકાના અદગામ સિંધીવાસના રહેવાસી હનિફ ડફેર તરીકે થઈ છે.
પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન વેડથી ભદ્રાડા જતા રસ્તા પર તળાવ નજીક બાવળની ઝાડીમાં એક વ્યક્તિ દેશી બંદૂક સાથે હોવાની બાતમી મળતાં પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન હનિફ ડફેર પાસેથી કોઈપણ પ્રકારના પાસ કે પરવાના વગરની એક દેશી હાથબનાવટની બંદૂક મળી આવી હતી. પોલીસે હથિયાર કબજે કરીને યુવકની અટકાયત કરી હતી.
આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે આરોપી તથા કબજે કરાયેલું હથિયાર સમી પોલીસને સોંપવામાં આવ્યાં છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ