હરિપુરામાં 10 ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતાં દોડધામ; પશુપાલકની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
છોટાઉદેપુર, 18 નવેમ્બર (હિ.સ.) : સંખેડા તાલુકાના અંતરિયાળ હરિપુરા ગામની સીમમાં અંદાજે 9 થી 10 ફૂટ લાંબો મહાકાય અજગર મળી આવતાં ગ્રામજનોમાં કુતૂહલ સાથે ચિંતા ફેલાઈ હતી. જોકે, એક જાગૃત પશુપાલકની સમયસૂચકતા અને સ્થાનિક આગેવાનોની સતર્કતાને કારણે અજગરને ક
રેસ્ક્યુ


રેસ્ક્યુ


રેસ્ક્યુ


છોટાઉદેપુર, 18 નવેમ્બર (હિ.સ.) : સંખેડા તાલુકાના અંતરિયાળ હરિપુરા ગામની સીમમાં અંદાજે 9 થી 10 ફૂટ લાંબો મહાકાય અજગર મળી આવતાં ગ્રામજનોમાં કુતૂહલ સાથે ચિંતા ફેલાઈ હતી. જોકે, એક જાગૃત પશુપાલકની સમયસૂચકતા અને સ્થાનિક આગેવાનોની સતર્કતાને કારણે અજગરને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, હરિપુરા ગામના પશુપાલક શાંતિભાઈ મોતીભાઈ વસાવા પોતાની ગાયો અને બકરાં ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા. આ દરમિયાન નાળા નજીક અજગર નજરે પડ્યો હતો. આસપાસ બકરાં અને અન્ય પશુઓ હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શાંતિભાઈએ તાત્કાલિક સતર્કતા દાખવી હતી અને કુસમિયા સ્કૂલના શિક્ષક તથા સ્થાનિક આગેવાન શાંતિલાલભાઈ રાઠવાનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી હતી.

માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી શાંતિલાલભાઈ રાઠવાએ તાત્કાલિક સંખેડા વિસ્તારની એનિમલ રેસ્ક્યુ ટીમના આગેવાન સચિન પંડિતને જાણ કરી હતી. માહિતી મળતાં જ સચિન પંડિત અને તેમના સહયોગી વોલેન્ટિયર હેમંતભાઈ રેસ્ક્યુ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

અજગરને જોવા માટે આસપાસના ગ્રામજનો પણ એકત્રિત થયા હતા. રેસ્ક્યુ દરમિયાન ભીડને દૂર રાખી સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમે જરૂરી તકેદારી અને કુશળતા સાથે અંદાજે 9 થી 10 ફૂટ લાંબા અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. આ કામગીરીથી પશુઓ તેમજ ગ્રામજનો માટે ઊભું થયેલું સંભવિત જોખમ ટળ્યું હતું.

રેસ્ક્યુ બાદ વન વિભાગના કર્મચારી કુલદીપભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ RFO વનકર સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ અજગરને સુરક્ષિત કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કામગીરીમાં પશુપાલક શાંતિભાઈ વસાવાની સમયસૂચકતા, શિક્ષક શાંતિલાલભાઈ રાઠવાની જાગૃતિ, રેસ્ક્યુ ટીમની તત્પરતા અને વન વિભાગના સહયોગની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

અજગર વિશે જાણો અને અફવાઓથી દૂર રહો

અજગર બિનઝેરી સાપ છે, પરંતુ તે પોતાની મજબૂત કાયાના આધારે શિકારને પકડીને શરીરના ગૂંચળાથી દબાવી શિકાર કરે છે. તે ઉંદરો સહિતના નાના સસ્તન પ્રાણીઓની સંખ્યા નિયંત્રિત કરવામાં પર્યાવરણ માટે ઉપયોગી ભૂમિકા ભજવે છે.

સાપ અને અજગર અસમતાપી પ્રાણીઓ હોવાથી તેમના શરીરનું તાપમાન બહારના વાતાવરણ પર આધારિત હોય છે. ઠંડા વાતાવરણમાં તેમની શારીરિક પ્રવૃત્તિ સામાન્ય રીતે ધીમી પડે છે. અનુકૂળ તાપમાન મેળવવા તેઓ ક્યારેક સૂર્યપ્રકાશવાળી જગ્યાએ પણ જોવા મળે છે.

વન્યજીવ સંરક્ષણ માટે રેસ્ક્યુ ટીમની અપીલ

આ ઘટનાના સંદર્ભમાં એનિમલ રેસ્ક્યુ ટીમે ગ્રામજનોને અપીલ કરી છે કે ખેતર, સીમ, નાળા કે રહેણાક વિસ્તારમાં સાપ અથવા અજગર જોવા મળે તો ગભરાઈને તેને મારવાનો પ્રયાસ ન કરવો. જાતે પકડવા કે તેની નજીક જવાને બદલે સુરક્ષિત અંતર જાળવવું અને તાત્કાલિક વન વિભાગ અથવા પ્રશિક્ષિત રેસ્ક્યુ ટીમને જાણ કરવી.

વન્યજીવોનું રક્ષણ કરવું એ માત્ર પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નથી, પરંતુ માનવજીવન અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન જાળવવાની પણ આવશ્યકતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande