રાજકોટના આસ્થા ચોકમાં હિટ એન્ડ રન : પૂરઝડપે દોડતી કારે બાઇકને અડફેટે લેતા હોમગાર્ડ જવાનના પિતાનું મોત
રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આસ્થા ચોક પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારી રહેલી એક અજાણી કારે મોટરસાઇકલ પર સવાર થઈને પોતાના સિક્યુરિટી પોઈન્ટ પર જઈ રહેલા આધેડને જો
અકસ્માતમાં મૃત્યુ પામનાર સિક્યુરિટી ગાર્ડ


રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આસ્થા ચોક પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારી રહેલી એક અજાણી કારે મોટરસાઇકલ પર સવાર થઈને પોતાના સિક્યુરિટી પોઈન્ટ પર જઈ રહેલા આધેડને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી આધેડનું ચાલુ સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી ધર્મેશ મૂળજીભાઈ દાફડા, જેઓ તાલુકા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે, તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પિતા મૂળજી પ્રેમજીભાઈ દાફડા સિક્યુરિટીની નોકરી કરતા હતા. ગત 10 નવેમ્બર ના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં મૂળજીભાઈ પોતાના ટીવીએસ એક્સલ હેવી ડ્યુટી મોટરસાઇકલ લઈને નોકરીના સ્થળે જવા નીકળ્યા હતા. તેઓ આસ્થા ચોકથી સર્કલ વળીને મવડી ચોકડી તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન ગોંડલ ચોકડી તરફથી પૂરઝડપે આવેલી એક અજાણી કારે તેમને હડફેટે લીધા હતા.

કારની ટક્કર એટલી જોરદાર હતી કે મૂળજીભાઈ મોટરસાઇકલ સમેત ફંગોળાઈને નીચે પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ તથા શરીરે છોલછાલ અને ડાબા પગમાં ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. અકસ્માતના પગલે પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર માટે શહેરની અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

મૂળજીભાઈને વેદાંત હોસ્પિટલ, ઓલમ્પસ હોસ્પિટલ, એચ. જે. દોશી હોસ્પિટલ અને ત્યારબાદ એચ.સી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તમામ પ્રયાસો છતાં 11 નવેમ્બર ના રોજ રાત્રિના સાડા અગિયારેક વાગ્યાના સુમારે ચાલુ સારવાર દરમિયાન ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૪, ૧૭૭ અને ૧૩૪ મુજબ અજાણી કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય. જે. ગોહિલ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande