
જુનાગઢ 18 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કમિશનર આયોજિત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા સંચાલિત ૧૦ દિવસીય ડુંગરાળ વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આગામી તા.૦૮/૧૨/૨૦૨૬ થી ૧૭/૧૨/૨૦૨૬ દરમિયાન સંપૂર્ણ સરકારી ખર્ચે જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા અને ઓછામાં ઓછો બેઝિક કોર્ષ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પસંદગીની પ્રક્રિયામાં કોચિંગ કોર્ષ કરેલ ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે.
આ માટેનું નિયત અરજી ફોર્મ ફેસબુક પેજ ‘SVIM ADMINISTRATION’ પરથી ડાઉનલોડ કરી શકાશે. ઇચ્છુક ઉમેદવારોએ સંપૂર્ણ ભરેલા ફોર્મ સાથે જન્મનો પુરાવો, નિવાસ અંગેનું આધાર કાર્ડ, બેઝિક કોર્ષનું પ્રમાણપત્ર, મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર અને વાલીનું સંમતિપત્ર બિડાણ કરીને તા. ૩૦/૧૧/૨૦૨૬ સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ – ૩૬૨૦૦૨ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. અધૂરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. આ અંગે વધુ માહિતી માટે કચેરીના ફોન નં. ૦૨૮૫-૨૬૨૭૨૨૮ પર સંપર્ક કરવા ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ