
જુનાગઢ, 18 નવેમ્બર (હિ.સ.) : મિશન ફોર આત્મનિર્ભરતા ઇન પલ્સીસ યોજના અને એજીઆર ૪ માં અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વર્ષ ૨૦૨૬-૨૭ માં રવિ ઋતુમાં ચણા પાકના પ્રમાણિત બીજ વિતરણ અને નિદર્શનની આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકે છે.
જે અંતર્ગત ચણા પાકના પ્રમાણિત બીજ વિતરણમાં ખેડૂત દીઠ ૨ હેક્ટરની મર્યાદામાં નીચે મુજબ સહાય મળવાપાત્ર થશે. તેમજ બિયારણ પ્રતિ એકર ૨૫ કિગ્રા મળવા પાત્ર થશે. પાંચ વર્ષથી ઓછા વર્ષની જાતો માટે ૭૫% અથવા રૂ. ૬૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ - બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર બનશે. તેમજ પાંચ વર્ષથી વધુ અને દસ વર્ષ સુધીની જાતો માટે ૫૦% અથવા રૂ. ૪૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ - બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર બનશે.
એજીઆર-૪ અનુસૂચિત જાતિ અંતર્ગત અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ૧ એકરની મર્યાદામાં ચણા પાક માટે ક્ષેત્રીય નિદર્શનની અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે. જેમાં ચણાનું બિયારણ અને અન્ય ઈનપુટ સામગ્રી ૧ એકરના નિદર્શન માટે રૂ. ૪૦૦૦ ની મર્યાદામાં ખાતા દીઠ એક નિદર્શન આપવામાં આવે છે.
જેથી લાભ લેવા ઈચ્છતા જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જૂનાગઢ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે ખેડૂતોએ તેમના ગામના ગ્રામસેવક અથવા તાલુકામાં વિસ્તરણ અધિકારી (ખેતી)નો સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ