
- ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોને શેરનાથબાપુની અપીલ.
જુનાગઢ, 18 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ ગિરનાર લીલી પરિક્રમામાં પધારનારા ભાવિકોને પર્યાવરણ અને પ્રકૃતિના જતન સાથે યાત્રા કરવા ભાવપૂર્વક અપીલ કરી છે. પાણીની અછતને ધ્યાને રાખીને પાણીનો બગાડ ટાળવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ જંગલ અને વન્યજીવોની સુરક્ષા જળવાય તે માટે જરૂરી સાવચેતી રાખવા તેમણે અનુરોધ કર્યો છે.
મહંત શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે પરિક્રમામાં આવનારા દરેક ભાવિકે પુણ્યનું ભાથું બાંધવાની સાથે ગિરનારની પ્રકૃતિના જતનની જવાબદારી પણ નિભાવવી જોઈએ. પાણીની અછતને ધ્યાનમાં રાખીને પાણીનો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ. પ્લાસ્ટિકની બોટલો અને થેલીઓનો ઉપયોગ ન કરવો તેમજ કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે સ્વચ્છતા જાળવવી જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગિરનારનો સમગ્ર વિસ્તાર વન્યજીવોનું કુદરતી આવાસ છે. અહીં સિંહ સહિત અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. આથી વન્યજીવોને કોઈ ખલેલ કે નુકસાન ન પહોંચે તે માટે ભાવિકોએ નિર્ધારિત પરિક્રમા માર્ગ પર જ ચાલવું જોઈએ અને જંગલ વિસ્તારમાં આડાઅવળા રસ્તે જવાનું ટાળવું જોઈએ. સંતો અને વહીવટી તંત્ર દ્વારા પણ બાળકો તથા મોટી ઉંમરના વૃદ્ધોને પરિક્રમામાં સાથે ન લાવવા અપીલ કરવામાં આવી રહી છે.
જંગલ વિસ્તારમાં આગ લાગવાની સંભાવનાને અટકાવવા વિશેષ સાવચેતી રાખવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. અન્નક્ષેત્રોના સંચાલકો ભોજન વ્યવસ્થા દરમિયાન પૂરતી તકેદારી રાખે તે સાથે દરેક ભાવિકે પણ આગથી જંગલ અને વન્યજીવોને નુકસાન ન થાય તેની જવાબદારી સમજવી જરૂરી છે.
શેરનાથ બાપુએ સૌ ભાવિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમા સ્વચ્છ, સુઘડ, શાંતિપૂર્ણ અને આદર્શ બને તે માટે સૌએ સહયોગ આપવો જોઈએ. પ્લાસ્ટિકમુક્ત પરિક્રમા, સ્વચ્છતા, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ, નિર્ધારિત માર્ગનું પાલન અને જંગલની સુરક્ષા જેવા સંકલ્પો સાથે ઈશ્વર ગિરનારીનું સ્મરણ કરતાં પરિક્રમા કરીએ અને પ્રકૃતિના જતન સાથે પુણ્યનું ભાથું બાંધીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ