
જુનાગઢ, 18 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી.સોજીત્રા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.પી.જાદવના માર્ગદર્શન હેઠળ જે.કે. ફોર્ઝન ફૂડ મેંદરડા ખાતે મહિલા કર્મચારીઓ સાથે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહિલાઓને કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતીય સતામણી અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ અધિનિયમ - ૨૦૧૩ અન્વયે ઉપરોક્ત કાયદાની જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિ, સ્થાનિક ફરિયાદ સમિતિ, જાતીય સતામણીના કિસ્સામાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપીને મહિલાઓને જાતીય સતામણી અંગે ઓનલાઈન ફરિયાદ માટે She-Box પોર્ટલની માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ પ્રતિકાર નામની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ તકે DHEW અને OSC ટીમ દ્વારા મહિલાલક્ષી યોજનાકીય માહિતી વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.પી જાદવ, ચિરાગભાઈ પટેલ, મોહિતભાઈ કોટડીયા જે.કે.ફોર્ઝન ફૂડ, DHEW, OSC ટીમ, મહિલાઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ