
જુનાગઢ 18 નવેમ્બર (હિ.સ.) : આપણો દેશ વર્ષ ૨૦૧૪ માં પોલીયો રોગ મુક્ત જાહેર કરવામાં આવેલ છે. અત્યારે ભારત પોલીયો રોગ મુક્ત છે. પરંતુ હજુપણ કેટલાક દેશોમાંથી પોલીથો નાબુદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશને પોલીયો મુક્ત બનાવી રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પોલીયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે.
જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષના અંદાજે ૧,૦૩,૧૮૮ બાળકોને આગામી તા.૨૨/૧૧/૨૦૨૬ ને રવિવારના રાઉન્ડ દરમ્યાન તા.૨૨/૧૧/૨૦૨૬ ના રોજ બૂથ ઉપર તેમજ તા.૨૩/૧૧/૨૦૨૬ તથા તા.૨૪/૧૧/૨૦૬ ના રોજ ઘરે ઘરે મુલાકાત કરીને કામગીરી કરવામાં આવશે.
દરેક ગામમાં પોલિયોના કુલ ૭૭૧ સ્થાયી બુથ બનાવીને પોલિયોની રસી પીવડાવવામાં આવનાર છે. તેમજ છુટા છવાયા વિસ્તારો, વાડી વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોને ૨૭ મોબાઇલ બુથ દ્વારા અને રેલવે સ્ટેશનો, એસ.ટી. બસ સ્ટેન્ડ, મોટા મંદિરો, મેળા, બજારો જેવા જાહેર સ્થળોએ ૩૭ ટ્રાન્ઝીટ બુથો ગોઠવીને ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોના રોગ સામે રક્ષણ આપવા માટે પોલિયોની રસીના ટીપા પીવડાવવાનું આયોજન જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી તથા જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી જયંત રાઠોરના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પોલિયો રસીકરણ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ કાર્યક્રમ અંતર્ગત પલ્સ પોલિયો રસીકરણ સ્ટીઅરીંગ કમિટીની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગોના જિલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉક્ત કાર્યક્રમમાં ૧૦૦% સફળતા મળે તે અંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ૫૮૦-આરોગ્ય કર્મચારી, ૬૪૨-આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો, ૧૦૦૫-આશા કાર્યકર બહેનો તથા ૧૩૩-અન્ય સ્વયંસેવકો મળી કુલ-૨૩૬૦ કર્મચારીઓની ૧૧૧૧-ટીમો બનાવવામાં આવી છે. જે પોલિયો રસીકરણ અભિયાનની કામગીરી કરશે. આ કામગીરીનું સુપરવિઝન ૧૧૭-ઝોનલ સુપરવાઇઝઓ કરશે અને તમામ કામગીરીનું લાઈઝનીંગ જિલ્લાના વર્ગ-૧/૨ ના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.
આ પોલિયો રસીકરણ અભિયાનના રાઉન્ડમાં આપના નજીકના પોલિયોના બુથ ઉપર પોતાના બાળકને લઇ જઈને પોલિયોની રસી અચુક પીવડાવી, બાળકને પોલિયોના રોગ સામે રક્ષણ અપાવવા જિલ્લાના તમામ બાળકના માતા-પિતા, વાલીને અનુરોધ કરવામાં આવે છે. બાળકને અગાઉ ગમે તેટલી વખત પોલિયોની રસી પીવડાવેલ હોય તો પણ અને બાળક સામાન્ય બીમાર હોય તો પણ આપના બાળકને આ દિવસે ફરીથી પોલિયોની રસી અચુક પીવડાવવા માટે અનુરોધ કરવામાં આવે છે.
તેમજ આ ભગીરથ કાર્યમાં તમામ ગામ આગેવાનઓ, પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓને યોગ્ય સહકાર આપવા માટે ડો.મનોજ સુતરીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ