
જુનાગઢ 18 નવેમ્બર (હિ.સ.) : કારતક સુદ અગિયારસ, તા. ૨૦ નવેમ્બરથી શરૂ થનારી ગિરનાર લીલી પરિક્રમામાં જોડાનારા શ્રદ્ધાળુઓને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિશેષ અપીલ કરી છે. પરિક્રમાની પવિત્રતા સાથે ગિરનારની પ્રાકૃતિક સંપદાનું જતન થાય અને યાત્રાળુઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે જરૂરી સાવચેતી રાખવા તેમણે અનુરોધ કર્યો છે.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમા જેટલી પવિત્ર છે, તેટલી જ આપણી પ્રકૃતિ પણ પવિત્ર છે. આ પવિત્રતા જાળવવાની જવાબદારી આપણા સૌની છે. પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓ સાથે લઈ જવી નહીં તેમજ પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો કે અન્ય કચરો માર્ગમાં ન ફેંકવો. આવી વસ્તુઓ પરિક્રમાના પ્રારંભ સ્થળે જ મૂકી દેવી અથવા પોતાની સાથે પરત લઈ જવી, જેથી ગિરનાર પર્વત અને પરિક્રમા માર્ગ સ્વચ્છ અને પવિત્ર જળવાઈ રહે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે પીવાના પાણીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને નાના બાળકોને તેમની સુરક્ષાના હિતમાં પરિક્રમામાં સાથે ન લાવવા અપીલ છે. પરિક્રમા દરમિયાન સ્થાનિક સ્તરે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ છતાં પાણીની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાને રાખી યાત્રાળુઓએ પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે.
ગિરનારના જંગલ વિસ્તારમાં સૂકાં પાંદડાં અને વનસ્પતિના કારણે આગ લાગવાની શક્યતા રહેતી હોવાથી યાત્રાળુઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ. સિગારેટ, બીડી કે આગ લાગવાનું જોખમ ઊભું કરતી અન્ય કોઈપણ વસ્તુનો ઉપયોગ ન કરવા તેમણે અનુરોધ કર્યો છે. ગિરનારના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો વસવાટ હોવાથી યાત્રાળુઓએ નિર્ધારિત પરિક્રમા માર્ગ પર જ ચાલવું અને માર્ગથી બહાર ન જવું જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા માટે કર્મચારીઓ તૈનાત રહેશે. આમ છતાં યાત્રાળુઓનો સહકાર અને જાગૃતિ અત્યંત આવશ્યક છે. શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પરિક્રમા પૂર્ણ કરવાની સાથે ગિરનારની પ્રાકૃતિક સંપત્તિનું સંરક્ષણ થાય તે સૌની સહિયારી જવાબદારી છે. પરિક્રમાની પવિત્રતા જળવાય અને ગિરનારનું જંગલ સુરક્ષિત રહે તે રીતે યાત્રા કરવા વનમંત્રીએ સૌ ભાવિકોને શુભકામનાઓ પાઠવી જય ગિરનારીના ભાવ સાથે અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ