ગિરનારની લીલી પરિક્રમા-૨૦૨૬ આગામી ૨૦ નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામા આવનાર લાખો ભાવિકો માટે જિલ્લા વહીવટી તંત્રએ રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વિવિધ વ્યવસ્થાઓનું આયોજન કર્યું
જુનાગઢ,18 નવેમ્બર (હિ.સ.) ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા-૨૦૨૬ તા. ૨૦ થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાશે. પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પાણી, વીજળી,
ગિરનારની લીલી પરિક્રમા-૨૦૨૬ આગામી ૨૦ નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામા આવનાર લાખો ભાવિકો માટે જિલ્લા વહીવટી તંત્રએ રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વિવિધ વ્યવસ્થાઓનું આયોજન કર્યું


જુનાગઢ,18 નવેમ્બર (હિ.સ.) ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા-૨૦૨૬ તા. ૨૦ થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાશે. પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પાણી, વીજળી, આરોગ્ય, સ્વચ્છતા, પરિવહન, સુરક્ષા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢના જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ જણાવ્યું છે કે ૨૦ નવેમ્બર મધ્યરાત્રીએ પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. પરિક્રમાના રૂટ પર યાત્રિકો માટે ખાસ કરીને આ વર્ષે પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વન વિભાગ અને અન્ય વિભાગો સાથે સંકલન કરીને આરોગ્ય પરિવહન સહિતની વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે તેનું આયોજન કર્યું છે.

વન વિભાગ દ્વારા પરિક્રમાના રૂટની મરામત,વિવિધ સ્થળોએ રાવટી અને ૪૨૫થી વધુ વન વિભાગ ના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા એ જણાવ્યું છે કે પોલીસ વિભાગ દ્વારા પણ યાત્રિકોને સગવડતા રહે અને તેમને ખાસ કરીને જુનાગઢ શહેરમાંથી ભવનાથ જતી વખતે મુશ્કેલી ના પડે તે માટે જરૂરી વાહનોના અવરજવર પણ નિયંત્રણ રાખીને બંદોબસ્તની કામગીરી તેમજ રૂટ ઉપર પણ જરૂરી બંદોબસ્ત નું આયોજન કરવામાં આવ્યું છે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગિરનારની પવિત્ર લીલી પરિક્રમામાં આવનાર તમામ શ્રદ્ધાળુઓને પ્રકૃતિનું જતન કરવા અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવા નમ્ર અપીલ કરી હતી. તેમણે પરિક્રમા પથની પવિત્રતા જાળવવા પ્લાસ્ટિકની વસ્તુઓ, થેલીઓ કે બોટલો સાથે ન લઈ જવા, કચરો ન ફેંકવા તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું.

પીવાના પાણીની મર્યાદિત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને બાળકોને પરિક્રમામાં સાથે ન લાવવા અપીલ કરી હતી. જંગલ વિસ્તારમાં સુકા ઘાસને કારણે આગ લાગવાની સંભાવના હોવાથી સિગારેટ, બીડી કે અન્ય જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ ટાળવા તેમજ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વધુ વસ્તીને ધ્યાનમાં રાખીને નિર્ધારિત રૂટ પર સમૂહમાં જ ચાલવા અનુરોધ કર્યો હતો. તેમણે કોઈપણ શ્રદ્ધાળુ નિર્ધારિત રૂટની બહાર ન જાય એ માટે પણ અનુરોધ કર્યો છે.

મંત્રીશ્રીએ સૌને પવિત્ર પરિક્રમા પર્વની શુભકામનાઓ પાઠવી શ્રદ્ધા સાથે પ્રકૃતિનું સંરક્ષણ થાય અને ગિરનારની સુરક્ષા જળવાઈ રહે તે રીતે યાત્રા કરવા અપીલ કરી છે.

જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાના સુચારુ સંચાલન માટે વિવિધ વિભાગો દ્વારા નીચે મુજબની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

પાણી પુરવઠા બોર્ડ દ્વારા કુલ ૩૩ બોર, ૯ કૂવા, ૭ હેન્ડપંપ અને ૫,૦૦૦ લિટરની ૫૦ ટાંકીઓ મારફતે સતત પાણી પુરવઠો કરવામાં આવશે. આ માટે ૨૮ પંપ અને ૩૦ ડી.જી. સેટની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ ઝોનમાં ૧૬ કર્મચારીઓ મોનિટરિંગ કરશે, જ્યારે ૧૧ કર્મચારીઓ સાથે ૨૪ કલાક કંટ્રોલ રૂમ અને લેબોરેટરી દ્વારા પાણીનું નિયમિત ક્લોરિનેશન તથા પરીક્ષણ કરવામાં આવશે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ અને પાર્કિંગ વિસ્તારનાં દબાણો દૂર કરી રસ્તાઓનું પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. ૪૩ લાખ લિટરની ભૂગર્ભ સંપ, બે ઊંચી ટાંકી, ૧૮ બોર અને ૧૦ હેન્ડપંપ દ્વારા તા. ૧૮ નવેમ્બરથી સતત પાણી પુરવઠો કરવામાં આવશે. ઉપરાંત ૪૦૦થી વધુ એલઈડી ફ્લડ લાઈટ, છ ડી.જી. સેટ અને આઠ સ્થળોએ ફાયર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સ્થળોએ ડ્રાઈવર, ફાયરમેન અને તરવૈયાઓ મળી કુલ ૩૨ કર્મચારીઓ તૈનાત રહેશે. ફાયર ટેન્ડર તથા એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.

સ્વચ્છતા માટે મહાનગરપાલિકા દ્વારા ૨૦૦ સફાઈ કામદારો અને ૧૭ સુપરવાઈઝરી સ્ટાફ દ્વારા ૨૪ કલાક સફાઈ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે. આઠ સ્થળોએ વિનામૂલ્યે જાહેર શૌચાલયો, જેમાં દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર માટે અલગ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ત્રણ મોબાઈલ ટોયલેટ, બે પે-એન્ડ-યુઝ તથા સમાજ અને વાડીનાં ૨૫૨૨ શૌચાલયો ઉપલબ્ધ રહેશે. કચરાના નિકાલ માટે પાંચ પિકઅપ વાન, એક જેસીબી, ત્રણ ટ્રેક્ટર અને એક ડમ્પર કાર્યરત રહેશે.

પીજીવીસીએલ અને માર્ગ-મકાન વિભાગ દ્વારા ભવનાથ સબસ્ટેશનમાંથી મુખ્ય વીજ પુરવઠા ઉપરાંત પાંચ વૈકલ્પિક બેકઅપ ફીડર તૈયાર રાખવામાં આવ્યા છે. દત્ત ચોક ખાતે તા. ૨૦ થી ૨૪ નવેમ્બર દરમિયાન ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. જંગલ રૂટ પર માર્ગ-મકાન વિભાગ દ્વારા ડી.જી. સેટથી લાઈટિંગ અને શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટની જાળવણી કરવામાં આવશે.

પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આઠ ઝોનમાં ૪૦ પોલીસ ચોકીઓ કાર્યરત રહેશે. સુરક્ષા માટે ૭ ડીવાયએસપી,૨૬ પી.આઈ, ૭૫ પીએસઆઇ, ૯૦૦ પોલીસ કર્મચારીઓ, ૫૦૦ હોમગાર્ડ, ૭૦૦ જી આર ડી એક એસઆરપી કંપની અને એક એસ ડી આર એફ પ્લાટૂન તૈનાત રહેશે. બહારનાં વાહનો માટે ચાર એન્ટ્રી પોઈન્ટ, બે જાહેર પાર્કિંગ અને છ ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવનાથ વિસ્તારમાં વન-વે ટ્રાફિક વ્યવસ્થા અમલી રહેશે. સીસીટીવી લાઈવ ટેલિકાસ્ટ, ત્રણ ઇમરજન્સી રૂટ તથા ખાનગી વાહનો, ફટાકડા, ખુલ્લા ખાદ્યપદાર્થો અને ગંદકી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આરોગ્ય સેવાઓ અંતર્ગત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમા રૂટ પર ૧૧ કામચલાઉ દવાખાનાં, આઠ વધારાની મેડિકલ ટીમ, છ સ્થળોએ એમ્બ્યુલન્સ અને બે મોબાઈલ હેલ્થ યુનિટ કાર્યરત રહેશે. નાકોડા યુએચસી ખાતે વેન્ટિલેટર સહિતનું કામચલાઉ આઈ સી યુ કાર્યરત રહેશે. વૃદ્ધ યાત્રાળુઓનું બીપી અને હૃદય સંબંધિત સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ૫૦ મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારીઓ તથા ટિંબાવાડી સીએચસી ખાતે દાખલ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.

એસ.ટી. વિભાગ દ્વારા કુલ ૪૫૦ બસો દોડાવવામાં આવશે. જેમાં ભવનાથ તળેટી માટે ૫૦ મીની બસ, મુખ્ય શહેરો માટે ૨૩૦ બસ અને અન્ય વિભાગની ૧૭૦ બસનો સમાવેશ થાય છે. બસ સ્ટેશન ખાતે આઠ ક્યુ-લાઈન, બે વધારાના રિઝર્વેશન કાઉન્ટર, ૧૦૦ ટકા જીપીએસ ટ્રેકિંગ, ડિજિટલ પેમેન્ટની સુવિધા તથા ૭૫૦થી વધુ સ્ટાફ ફરજ પર રહેશે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા વન વિભાગના સંકલનમાં પરિક્રમા રૂટ પર ૨૦ સ્થળોએ ડી.જી. સેટ સાથે હંગામી સિક્યુરિટી લાઈટિંગ કરવામાં આવ્યું છે. હિંસક પ્રાણીઓની અવરજવરવાળા વિસ્તારોમાં ખાસ લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ વખત માળવેલા ઘોડીની ટોચ પર ડી.જી. સેટ મૂકવામાં આવશે. જાંબુડી નાકા ફોરેસ્ટ ઓફિસ સામે ઇમરજન્સી ટ્રબલશૂટિંગ કેમ્પ પણ કાર્યરત રહેશે.

આમ, ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન પદયાત્રિકોને જરૂરી સુવિધાઓ મળી રહે અને સમગ્ર આયોજન સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત તમામ વિભાગો દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. વન વિભાગે ૭૦ જેટલી સંસ્થાઓને પ્રસાદ અન્ન ક્ષેત્ર અને ભાવિકોની સેવા માટે સદાવત સહિતના આયોજન માટે મંજૂરી આપી છે.

અગાઉના વર્ષોમાં યાત્રિકોની પરિક્રમામાં અંદાજિત સંખ્યા*

વર્ષ ૨૦૨૩ - ૧૬.૨૫ લાખ

વર્ષ ૨૦૨૨ - ૧૨.૧૯ લાખ

વર્ષ ૨૦૨૪ - ૭.૮૪ લાખ

વર્ષ ૨૦૨૫ પરિક્રમા ના સમય દરમિયાન વરસાદ પડતા આયોજન થયું ન હતું

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande