નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આડેસર પોલીસની મોટી કાર્યવાહી! બે કારમાંથી રૂ.21.03 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ફુલપરાવાંઢની સીમમાં દારૂ ઉતારી ટાયર બદલવાની ચાલાકી પોલીસની નજરે ચડી; પોલીસને જોઈ બે શખ્સો અંધારામાં ફરાર, એક શખ્સ સહિત બે કારની શોધખોળ તેજ. કચ્છ, 18 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફે
આડેસર પ્રોહીબિશન કેસ


આડેસર પ્રોહીબિશન કેસ


- ફુલપરાવાંઢની સીમમાં દારૂ ઉતારી ટાયર બદલવાની ચાલાકી પોલીસની નજરે ચડી; પોલીસને જોઈ બે શખ્સો અંધારામાં ફરાર, એક શખ્સ સહિત બે કારની શોધખોળ તેજ.

કચ્છ, 18 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે રાપર તાલુકાના ફુલપરાવાંઢ (સણવા) ગામની સીમમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આડેસર પોલીસે મોટી કાર્યવાહી કરીને બે હુન્ડાઈ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર સહિત કુલ રૂ.21,03,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસની કાર્યવાહી દરમિયાન બે શખ્સો અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

મળતી વિગતો મુજબ, બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓને ડામવા પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર નાઇટ રાઉન્ડમાં હતા.

આ દરમિયાન કુલપરા ગામ નજીકથી સફેદ રંગની ક્રેટા કાર આવતી નજરે પડી હતી. પોલીસની હાજરીનો અણસાર આવતાં કારચાલકે હેડલાઇટ બંધ કરી અંધારાનો લાભ લઈને વાહન સાથે નાસી છૂટ્યો હતો. શંકા જતાં પોલીસે ફુલપરાવાંઢની સીમમાં આવેલી વાડીમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં સફેદ રંગની ક્રેટા કાર નંબર GJ-12-DA-6663માંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો અને કારના ટાયર બદલવાની કામગીરી ચાલી રહી હતી. સ્થળ પર કરમણ દેવાભાઈ કોલી તથા અન્ય એક અજાણ્યો શખ્સ હાજર હોવાનું જણાયું હતું. જોકે, પોલીસને જોઈ બંને અંધારામાં ભાગી છૂટ્યા હતા. નજીકમાં કાળા રંગની બીજી ક્રેટા કાર નંબર GJ-04-DN-9589 પણ મળી આવી હતી.

પોલીસે બંને કારમાંથી વ્હાઇટ લેસ વોડકા, ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હિસ્કી, રોયલ ચેલેન્જર, 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કી તથા કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ટીન સહિત દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂ ઉપરાંત બંને ક્રેટા કારની કિંમત સહિત કુલ રૂ.21,03,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ બનાવમાં કરમણભાઈ દેવાભાઈ કોલી (રહે. કુલપરાવાંઢ, સણવા, તા. રાપર) તથા એક અજાણ્યા શખ્સ સહિત તપાસમાં બહાર આવે તેવા અન્ય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરની આગેવાનીમાં આડેસર પોલીસ સ્ટાફ અને રાપર પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને દારૂના જથ્થાની હેરાફેરીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande