
અંજાર પોલીસની ત્વરિત કાર્યવાહીથી અપહરણનો ભોગ બનેલી વ્યક્તિનો સુરક્ષિત છુટકારો; ભુજના યુવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
કચ્છ, 18 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં અપહરણ અને ગુમ થવાના બનાવોમાં સંડોવાયેલા લોકોને શોધી કાઢવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી અંતર્ગત અંજાર પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અંજાર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવેલી ભોગ બનનાર વ્યક્તિને શોધી કાઢી આરોપીના કબજામાંથી મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે ભોગ બનનારને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપી અપહરણના ગુનામાં સંડોવાયેલા 22 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો છે.
આ સમગ્ર મામલે મળતી વિગતો મુજબ, અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર 11993003261501/ 2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87 અને 64(2)(એમ) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભોગ બનનારને કાયદેસરના વાલીપણામાંથી આરોપી અપહરણ કરીને લઈ ગયો હોવાની હકીકત સામે આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
અપહરણના આ બનાવમાં ભોગ બનનારને વહેલી તકે શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને અંજાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન. વાઘેલાએ તપાસની જવાબદારી સંભાળી હતી. તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાળા સહિતના પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી ભોગ બનનાર અને આરોપીની શોધખોળ તેજ કરી હતી.
પોલીસે વિવિધ દિશામાં તપાસ અને મળેલી હકીકતોના આધારે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીના કબજામાંથી ભોગ બનનારને મુક્ત કરાવી સુરક્ષિત રીતે પરિવારજનોને પરત સોંપ્યા હતા. સાથે જ અપહરણના આ ગુનામાં આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ સાહિલ ઇલીયાસ કુંભાર (ઉંમર 22 વર્ષ), રહે. ભક્તિનગર શેરી, લખુરાઈ ચાર રસ્તા, ભુજ, કચ્છ તરીકે થઈ છે.
અંજાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન. વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાળા અને પોલીસ સ્ટાફની ટીમે સંકલનપૂર્વક કરેલી કામગીરીના પરિણામે અપહરણના બનાવમાં ભોગ બનનારનો સુરક્ષિત છુટકારો શક્ય બન્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar