
ભચાઉ-સામખિયાળી હાઇવે પર ચામુંડા હોટલ નજીકની બંધ ઓરડીમાંથી પામ ઓઈલનો જથ્થો મળ્યો; ચોરી કે છળકપટથી મેળવ્યો હોવાની આશંકા વચ્ચે એક શખ્સની અટકાયત કરી એલસીબીએ તપાસનો દોર ભચાઉ પોલીસને સોંપ્યો
કચ્છ, 18 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા અને આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સુધી પહોંચવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કરવામાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂપે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ પામ ઓઈલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 52 ડબ્બા પામ ઓઈલ કબજે કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ.1.17 લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની આગેવાની હેઠળ પોલીસ ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ભચાઉથી સામખિયાળી તરફ જતા હાઇવે પર ચામુંડા હોટલ નજીક આવેલા પાર્કિંગ વિસ્તારમાં એક બંધ ઓરડીમાં પામ ઓઈલનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરતાં ઓરડીમાંથી પતરાના ડબ્બામાં ભરેલો પામ ઓઈલનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર હાજર પ્રકાશભાઈ જીતુભાઈ વાલ્મીકી (ઉંમર 30 વર્ષ, રહે. વોંધ, તા. ભચાઉ)ની પોલીસે પૂછપરછ કરી હતી. જોકે, મળી આવેલા પામ ઓઈલના જથ્થા અંગે તેઓ કોઈ બિલ કે કાયદેસરના આધાર-પુરાવા રજૂ કરી શક્યા નહોતા.
આથી પોલીસે 15 કિલોગ્રામના કુલ 52 ડબ્બા પામ ઓઈલનો જથ્થો, જેની કિંમત રૂ.1,17,000 થાય છે, તે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 106 હેઠળ કબજે કર્યો હતો. સાથે જ પ્રકાશભાઈની BNSSની કલમ 35(2) મુજબ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એલસીબીની આ કામગીરી બાદ વધુ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સમગ્ર મામલો ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ પામ ઓઈલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ ચોરી કે છળકપટની કડી છે કે કેમ તે સહિતના પાસાઓની તપાસ હવે મહત્વપૂર્ણ બની રહેશે. સમગ્ર કાર્યવાહી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar