
ઘરબેઠા લાયકાત અને કૌશલ્ય પ્રમાણે નોકરી શોધવાની સુવિધા, ખાનગી કંપનીઓ સાથે સીધો સંપર્ક અને મફત રજિસ્ટ્રેશનથી રોજગારી મેળવવાનો માર્ગ બન્યો સરળ
કચ્છ, 18 નવેમ્બર (હિ.સ.) : રોજગારીની શોધમાં યુવાનોને હવે એક કચેરીથી બીજી કચેરીના ધક્કા ખાવાની જરૂરિયાત ધીમે ધીમે ઘટી રહી છે. ટેક્નોલોજીના યુગમાં સરકારી સેવાઓ પણ ડિજિટલ બની રહી છે, ત્યારે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું ‘અનુબંધમ’ પોર્ટલ કચ્છના નોકરીવાંચ્છુ યુવાનો માટે રોજગારી મેળવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે. આ પોર્ટલના માધ્યમથી કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 18,890થી વધુ ઉમેદવારોએ પોતાની નોંધણી કરાવી છે, જે જિલ્લામાં ડિજિટલ રોજગાર વ્યવસ્થા તરફ વધી રહેલા યુવાનોના રસને દર્શાવે છે.
નોકરી શોધતા યુવાનો અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા આ પ્લેટફોર્મની વિશેષતા એ છે કે ઉમેદવાર પોતાની શૈક્ષણિક લાયકાત, ટેક્નિકલ કૌશલ્ય અને કામના અનુભવના આધારે યોગ્ય નોકરીની તકો શોધી શકે છે. ધોરણ 10 અને 12 પાસથી લઈને ITI, ડિપ્લોમા તથા સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અહીં નોંધણીની સુવિધા ઉપલબ્ધ છે. ઉમેદવારે https://anubandham.gujarat.gov.in વેબસાઇટ પર જઈને Job Seeker તરીકે સાઇન અપ કરવાનું રહે છે. મોબાઇલ નંબર અને ઇમેઇલની ચકાસણી બાદ પોતાની સંપૂર્ણ વિગતો અપલોડ કરીને રોજગારીની શોધ શરૂ કરી શકાય છે.
આ પોર્ટલની ખાસિયત તેની ઓટો-મેચિંગ ટેક્નોલોજી છે. ઉમેદવારની લાયકાત, આવડત અને અનુભવને ધ્યાનમાં રાખીને સિસ્ટમ સંબંધિત નોકરીની તકો સૂચવે છે. ઉમેદવાર પોતાની પસંદગીનો જિલ્લો, વ્યવસાયનું ક્ષેત્ર અને અપેક્ષિત પગાર નક્કી કરીને ખાનગી કંપનીઓની ખાલી જગ્યાઓ માટે સીધી અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયા દરમિયાન ઇન્ટરવ્યૂની તારીખ અને સમય અંગેની જાણ SMS તથા એપ્લિકેશન મારફતે મળી રહે છે. અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શકાય છે.
આ વ્યવસ્થામાં ઉમેદવાર કે નોકરીદાતા પાસેથી નોંધણી અથવા નોકરી શોધવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી. વચેટિયાની જરૂર વગર કંપનીઓ સુધી પહોંચવાની સાથે રાજ્યમાં યોજાતા ઓનલાઈન અને ઓફલાઈન રોજગાર મેળાની માહિતી પણ ઉપલબ્ધ બને છે. નોંધણી કે ટેક્નિકલ પ્રક્રિયામાં મુશ્કેલી અનુભવતા ઉમેદવારો જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.
કચ્છ જેવા વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતા જિલ્લામાં આ પ્રકારનું ડિજિટલ માધ્યમ યુવાનોને સમય અને મુસાફરીનો ખર્ચ બચાવવામાં મદદરૂપ બની શકે છે. જોકે, ઉમેદવારોએ પોતાની પ્રોફાઇલ સંપૂર્ણ અને અદ્યતન રાખવી જરૂરી છે. યોગ્ય માહિતી અને સક્રિય અરજી દ્વારા અનુબંધમ પોર્ટલ યુવાનોને રોજગારીની નવી તકો સાથે જોડવાનું માધ્યમ બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar